થિરુવનંતપુરમ્ઃ ભારતનાં સૌથી વયોવુદ્ધ છાત્રા બનીને ઈતિહાસ રચનારાં કાર્તિયાની અમ્માનું 101 વર્ષની ઉંમરે નિધન થતાં શોક છવાયો છે. કાર્તિયાની અમ્માએ કેરળ સ્ટેટ લિટરસી મિશન હેઠળ 96 વર્ષની ઉંમરે પરીક્ષા આપી હતી અને 100માંથી 98 ગુણ મેળવીને હજારો નિરક્ષરો માટે પ્રેરણારૂપ બન્યા હતા.
કેરળના તટીય અલાપ્પુઝા જિલ્લાના ચેપ્પાડ ગામમાં નિવાસસ્થાને 10 ઓકટોબરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ લાંબા સમયથી બીમાર હતાં, છેલ્લે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ભારત સરકારે માર્ચ-2020માં તેમનું નારી શક્તિ પુરસ્કારથી સમ્માન કર્યું હતું. સાક્ષરતા મિશન માટે અમ્મા ખુદ વોલન્ટિયર બન્યા હતા. અમ્મા ક્યારેય શાળાએ ગયા ન હતા. બાદમાં કેરળ સ્ટેટ લિટરસી મિશન ઓથોરિટી (કેએસએલએમએ)ના ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. તેઓ ઘરેલું સહાયિકા અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતાં હતા. તત્કાલિન શિક્ષણ પ્રધાને અમ્માની શિક્ષણ પ્રત્યેની ધગશથી ખુશ થઈ લેપટોપ ભેટ આપ્યું હતું. તેઓ ધો. 10ની પરીક્ષા પાસ કરવા ઈચ્છતાં હતા. કેરળના મુખ્યમંત્રીએ શોક સંદેશો પાઠવતાં કહ્યું કે તેમના શબ્દોમાં આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ હતો. કાર્તિયાની અમ્માના નિધનથી ખુબ દુ:ખ થયું છે.


