નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણીપંચે બુધવારની સાંજે ૫ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને ૧૭મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવાની જાહેરાત કરી છે. ચૂંટણીનું પરિણામ ૨૦મીએ જાહેર થશે. ચૂંટણીપંચે જાહેર કર્યું હતું કે આગામી ૧૪મી જૂને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાશે. ૨૮મી જૂને ઉમેદવારી પત્રક ભરવાની આખરી તારીખ હશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧લી જુલાઇ છે. ચૂંટણીપંચના વડા નસીમ જૈદીએ જણાવ્યું હતું કે સોમવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ૧૭મી જુલાઇએ મતદાન થશે અને મતગણતરી આગામી ૨૦ જુલાઇએ થશે. જૈદીએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીપંચે એવું પણ નક્કી કર્યું છે કે આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારાઓને એક ખાસ પેન આપવામાં આવશે. ડિપોઝિટની રકમ ૧૫ હજાર પણ ઉમેદવારી પત્ર ભરવા સાથે જ ભરવાની રહેશે.
વ્હિપ નહીં
જૈદીએ જણાવ્યું હતું કે કોઇ પણ રાજનીતિક દળ રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના સભ્યોને કોઇ પણ વ્હિપ આપી શકશે નહીં. એ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો ઉપર જો કોઇ ગુનો કે ભ્રષ્ટાચારના આરોક હશે તો તેમની ચૂંટણી રદ થઇ શકશે.
૨૪ જુલાઇ અંતિમ દિવસ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ આગામી ૨૪ જુલાઇ ૨૦૧૭ના દિવસે પૂરો થશે. આવતા મહિને દેશના ૧૪મા રાષ્ટ્રપતિની ચૂંટણી થશે. વિપક્ષમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે કોઇ સહમતી સધાઇ નથી, જ્યારે સરકાર પણ પોતાના પક્ષ અને સહયોગીપક્ષો સાથે સહમતી સાધવાના પ્રયાસ કરી રહી છે.
ગુપ્ત મતપત્રકથી ચૂંટણી
મતદારો પોતાના મત ગુપ્ત રાખે એવું ચૂંટણી પંચ ઇચ્છે છે. કોઇને પણ ખુલ્લો મત આપવાનો અધિકાર નથી. કોઇને પણ પોતાનું મતપત્રક દેખાડી શકાશે નહીં. એમ કરવાથી મત રદ થઇ શકે છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રક્રિયા સરળ નથી. ચૂંટણી અપ્રત્યક્ષ મતદાનથી થાય છે. જનતાને બદલે જનતાના પ્રતિનિધિ રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે.
સરકારનું ગણિત
ભાજપને પોતાની પસંદનો રાષ્ટ્રપતિ ચૂંટી કાઢવા માટે ૫.૪૯ લાખ મૂલ્યના મતની જરૂર છે. એનડીએ પાસે ઇલેક્ટ્રોલ કોલેજ લગભગ ૪૮.૬૪ ટકા મત છે. મતલબ કે ૫,૩૨,૦૧૯ મત એનડીએ પાસે છે.
વિપક્ષની સ્થિતિ
વિપક્ષમાં કોંગ્રેસના નેજા હેઠળ ૨૩ પક્ષો છે, તેના મત ૩૫.૪૭ ટકા છે. વિપક્ષોનું મત મૂલ્ય અત્યારે ૩,૯૧,૦૦૦ ટકા છે.
વિધાનસભ્યો-સાંસદોના મત
રાજ્યોના વિધાનસભ્યોના મતની ગણના માટે રાજ્યની વસતી તથા વિધાનસભ્યોની સંખ્યા, તેના અનુપાતમાં મતનું મૂલ્ય કઢાય છે. દેશના તમામ વિધાનસભ્યોના મતોના મૂલ્યોનો સરવાળો થાય છે, તેને લોકસભા અને રાજ્યસભામાં સાંસદોની કુલ સંખ્યા વડે ભાગીને જે સંખ્યા મળે તે એક સાંસદના મતનું મૂલ્ય છે.
અસ્થિર મત
આમ આદમી પાર્ટી, બીજુ જનતા દળ, ભારતીય રાષ્ટ્રીય લોકદળ, વાઇએસઆઇ કોંગ્રેસ, તૃણમૂલ અને એઆઇએડીએમે હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. આ પક્ષોના મત મૂલ્ય ૧,૭૦,૦૦૦ થાય છે.
ઇલેક્ટ્રોલ કોલેજ
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોલેજ દ્વારા થાય છે. બંધારણની કલમ ૫૪માં તેનો ઉલ્લેખ છે. તેમાં સંસદને બંને ગૃહો તથા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે.