ભારતીય શેરબજારોમાં સોમવારે કડાકો બોલાતા રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને રોકાણકારોને ચિંતા નહીં કરવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત છે. ભારત પાસે ૩૮૦ બિલિયન ડોલરનું હૂંડિયામણ છે. રૂપિયાને મજબૂત બનાવવા જરૂર પડ્યે અનામતભંડોળનો ઉપયોગ કરાશે. જ્યારે કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ આ અંગે કહ્યું હતું કે સોમવારના કડાકા માટે બાહ્ય પરિબળો જવાબદાર છે. તેના માટે કોઇ ઘરેલું કારણ જવાબદાર નથી. આ કડાકો હંગામી છે, ખરાબ સમય ઝડપથી વીતી જશે.
પાકિસ્તાને હવે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ (એનએસએ) સ્તરની મંત્રણા રદ થવા બદલ માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠરાવ્યું છે. પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સરતાજ અઝીઝે સોમવારે જણાવ્યું હતું કે ભારત સરકાર એવો વ્યવહાર કરી રહી છે કે જાણે કે તે આ ક્ષેત્રનું સુપર પાવર હોય, પરંતુ અમે પણ ઓછા નથી. પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે. અમે જાણીએ છીએ કે પોતાના દેશની સુરક્ષા કેવી રીતે કરાય છે. સરતાજ અઝીઝે જણાવ્યું કે ભારત ઉફા સમજૂતીનો ભંગ કરીને પોતાનો એજન્ડા થોપી રહ્યું છે. એનએસએ સ્તરની મંત્રણા રદ થવા માટે કોઇ પણ સંજોગોમાં પાકિસ્તાન જવાબદાર નથી.