નવી દિલ્હી: અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં ભારતની ઓઇલ આયાતને મોટો ફટકો પડયો છે. ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદે છે અને ભારતની મોટી રિફાઇનરીઓ જેવી કે રિલાયન્સ આ ખાસ પ્રકારના સસ્તા અને વધુ ઘનતાવાળા ઓઇલને રિફાઇન કરવા માટે બનાવવામાં આવી છે. આ ઓઇલ પેટ્રોલ અને ડીઝલ જેવા કિંમતી ઇંધણ બનાવવા કામમાં આવે છે.
હવે અમેરિકાએ વેનેઝુએલા પર કરેલા હુમલાના કારણે આ સપ્લાય રોકાઈ જાય છે તો ભારતને રોજના છ લાખ બેરલ ઓઇલ મળી નહી શકે. તેના કારણે ભારતીય કંપનીઓએ મધ્યપૂર્વ કે કેનેડા પાસેથી મોંઘુ તેલ ખરીદવું પડશે. જોકે ટ્રમ્પના વલણનો સંકેત અગાઉથી મેળવી લેનારી ભારતીય ઓઇલ કંપનીઓએ ફરીથી રશિયાના ઉરલ ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી હોવાનું માનવામાં આવે છે. ભારતે 2024માં વેનેઝુએલા પાસેથી 2.2 કરોડ બેરલ ઓઇલની આયાત કરી હતી. આના પરથી જ સમજાય છે કે ભારત વેનેઝુએલા પાસેથી કેટલું સસ્તુ તેલ ખરીદે છે.
આ ઉપરાંત ઓએનજીસી વિદેશે વેનેઝુએલામાં જંગી રોકાણ કર્યુ છે. પ્રતિબંધોના લીધે ઓએનજીસી વિદેશના લગભગ 60 કરોડ ડોલર વેનેઝુએલામાં અટવાયેલા છે. આ કંપની માટે મોટો ઝાટકો છે.
ભારત-વેનેઝુએલાનો વેપાર વ્યવહાર
ભારત અને વેનેઝુએલા વચ્ચે 2025માં કારોબાર અંદાજે 4 કરોડ ડોલરનો કારોબાર થયો હતો. તેમા ભારતની આયાત બે કરોડ ડોલર કરતાં પણ વધુ હતી અને નિકાસ 1.5 કરોડ ડોલર હતી. ભારત વેનેઝુએલાને દવા, મશીન, સુરતી કપડા, કેમિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી
ચીજો વેચે છે. ભારત વેનેઝુએલાની દવાની જરૂરતો મોટાપાયા પર પૂરી કરે છે. આ દવા ઘણી વખત અત્યંત ઓછા ભાવે અથવા તો મફતમાં અપાય છે.
ભારતે કેમ અંતર જાળવ્યું છે?
જોકે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના યુદ્ધને લઈને ભારત કોઈ દરમિયાનગીરી કરવા માંગતુ નથી. અમેરિકાએ જ્યારે વેનેઝુએલા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે ભારતે તેની કોઈ ટીકા કરી ન હતી. હજી સુધી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ થઈ નથી. જો ભારત અમેરિકા અને વેનેઝુએલાના મામલામાં કંઇક બોલ્યુ તો આ ટ્રેડ ડીલ અટકી શકે છે.


