નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તૂર્કીના રાષ્ટ્રપતિ તૈયિપ એર્દોગને સોમવારે બંને દેશોના સંબંધોની સમીક્ષા કરી. તૂર્કીથી આવેલા ઉદ્યોગપતિઓને સંબોધતાં મોદીએ કહ્યું કે ભારતમાં રોકાણ માટેનો માહોલ આજે જેવો છે તેવો અગાઉ ક્યારેય પણ રહ્યો નથી. ભારતમાં હાલ રોકાણ માટે ખૂબ અનુકૂળ વાતાવરણ છે. તેમણે તૂર્કીની કંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને પર્યટનના ક્ષેત્રમાં રોકાણ માટે આમંત્રિત કર્યા.
એર્દોગન સાથે ભારત-તૂર્કી બિઝનેસ સમિટમાં મોદીએ તેમની સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ૨૦૨૨ સુધીમાં ૫ લાખ મકાન બનાવવા, ૫૦ શહેરમાં મેટ્રો શરૂ કરવી, વિદ્યુત ઉત્પાદન ક્ષમતા વધારવાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે સરકારે વિદેશી નીતિઓ પણ સરળ બનાવી છે. ૨૦૦૮માં એર્દોગનના ભારતપ્રવાસ વખતે બંને દેશ વચ્ચેનો વ્યાપાર ૨.૮ અબજ ડોલર હતો, જે ૨૦૧૬માં વધીને ૬.૪ અબજ ડોલર થઇ ગયો છે પણ તે પૂરતો નથી.
એર્દોગને ભારત સાથે મુક્ત વ્યાપાર સમજૂતી અંગે ચર્ચાની માગ કરતા કહ્યું કે આવું થયું તો બંને દેશના સંબંધો વધુ ગાઢ બની શકે છે. તેમણે પરમાણુ ઊર્જા અને ઉડ્ડયન ક્ષેત્રમાં પણ સંબંધો બહેતર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી ભારતીય કંપનીઓને તૂર્કીમાં રોકાણ કરવા આગ્રહ કર્યો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ ટિ્વટ કરીને જણાવ્યું કે ભારત અને તૂર્કીના નેતાઓએ ઘણા મુદ્દે વાતચીત કરી, જેમાં એનએસજીમાં ભારતના સભ્યપદ, પ્રાદેશિક સુરક્ષા વગેરે સામેલ છે. એર્દોગન અગાઉ કહી ચૂક્યા છે કે જો ભારતને એનએસજીમાં સામેલ કરાય તો પાકિસ્તાનને પણ કરવું પડશે. તૂર્કીમાં નિષ્ફળ બળવા અને ૧૬ એપ્રિલના રેફરેન્ડમ બાદ એર્દોગનનો ભારતનો પહેલો પ્રવાસ છે.
ભારત-પાક. સમસ્યા ઉકેલો તુર્કીના રાષ્ટ્રપતિ પશ્ચિમી દેશો સામે આકરા નિવેદનો આપવા માટે જાણીતા છે પણ ભારતમાં તેમણે સાવચેતી રાખી, કેમ કે ભારતના પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો છે. તેથી તેમણે પશ્ચિમી દેશો અંગે આકરી ટિપ્પણી કરવાનું ટાળ્યું. જેથી કોઈ વિવાદ થાય. એર્દોગન પાક.ના વડા પ્રધાન નવાઝ શરીફની નિકટ મનાય છે. ભારતીય મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પાક.ની ટીકા કરવાના બદલે ભારત-પાક.ને મંત્રણા દ્વારા દ્વિપક્ષી સમસ્યાઓ ઉકેલવા કહ્યું.