ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડતી થઇ

Thursday 23rd July 2026 07:05 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત હવે વિશ્વના એવા દેશોના જૂજ દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે જ્યાં હાઇડ્રોજન વડે ઓપરેટ થતી ટ્રેન ચાલે છે. અત્યાર સુધી જર્મની, જાપાન, ચીન અને અમેરિકામાં હાઇડ્રોજન ટ્રેનો દોડતી હતી, હવે હરિયાણામાં જિંદથી સોનીપત સુધી ટ્રેન દોડતી થઇ છે. ટ્રેનની બે વિશેષતા ઊડીને આંખે વળગે તેવી છે. એક તો આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત એન્જિનની ટેક્નોલોજી સંપૂર્ણ ભારતીય એન્જિનિયરોએ વિકસાવેલી છે. આ એન્જિનનો ઉપયોગ માત્ર ટ્રેન જ નહીં, મોટરકારથી લઇને ફિશિંગ બોટમાં પણ કરી શકાય તેમ છે. બીજું, દુનિયાની આ સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન છે. વિશ્વના જે પણ દેશોમાં હાઇડ્રોજન ટ્રેન દોડે છે તેની લંબાઇ બે-ત્રણ કોચ પૂરતી મર્યાદિત છે, જ્યારે ભારતે આઠ કોચની ટ્રેન દોડાવી રહી છે.
વડાપ્રધાન મોદીએ શુક્રવારે જિંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ જાહેર રેલી સંબોધતા, મોદીએ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનને મેક ઇન ઇન્ડિયા અભિયાનનું સફળ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આજે ભારતીય રેલ્વેએ એક મોટું પગલું ભર્યું છે, અને જિંદ તથા સોનીપત વચ્ચે દોડતી આ ટ્રેન વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન છે.

હાઈડ્રોજન ટ્રેન કેવી રીતે ચાલે છે?

આ ટ્રેન ડીઝલ જરાપણ બાળતી ન હોવાથી બિલકુલ પ્રદૂષણ ફેલાતું નથી. આના બદલે, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયા વીજળી ઉત્પન્ન કરે છે, જે ટ્રેનને આગળ ધપાવે છે. આ ટ્રેનમાં બે હાઇડ્રોજન પાવર કાર અને આઠ પેસેન્જર કોચ હશે. દરેક પાવર કાર 1,200 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરશે. કુલ 2,400 કિલોવોટ ક્ષમતા સાથે, આ ટ્રેન 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. ટ્રેનમાં ફયુઅલ સેલ, લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી અને હાઇડ્રોજન સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. તો સેફ્ટી સિસ્ટમ પણ અત્યાધુનિક છે. એક નાનકડો તણખો પણ થશે તો સેન્સર એક્ટિવ થઇ જશે અને ટ્રેન આપોઆપ અટકી જશે.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે?

ભારત દર વર્ષે કરોડો રૂપિયાનું આયાતી ઇંધણ ખરીદે છે. આમ હાઇડ્રોજન આધારિત ટ્રેનો ડીઝલ પરની નિર્ભરતા ઘટાડશે. કાર્બન ઉત્સર્જન ઓછું કરશે. નેટ-ઝીરો કાર્બન લક્ષ્યને ટેકો આપશે. ગ્રીન હાઇડ્રોજન મિશનને ગતિ આપશે. સ્વદેશી ટેક્નોલોજીને મજબૂત બનાવશે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભવિષ્યમાં આવી વધુ ટ્રેન જોવા મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter