ભારતની માથાદીઠ આવક યુરોપીયન દેશો કરતાં પણ વધુ

Saturday 31st May 2025 04:55 EDT
 
 

નવી દિલ્હી: પહેલાં જાપાન અને હવે જર્મની. ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે ત્યારે મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે દેશની વૃદ્ધિને માપવી હોય તો વ્યક્તિ દીઠ જીડીપી સૌથી મહત્ત્વનો માપદંડ છે, પરંતુ કેટલાક નિષ્ણાતો આવું માનતા નથી.
પોલિસી અને જિયોપોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ સિદ્ધાર્થનું કહેવું છે ભારતીય અર્થતંત્ર આર્થિક વિકાસમાં ફક્ત બરાબરી કરી રહ્યું નથી પણ ઓવરટેક કરી રહ્યું છે. ભારતનો પર કેપિટા જીડીપી એટલે કે વ્યક્તિદીઠ જીડીપી કેટલાય યુરોપીયન દેશો કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર જ્યારે પણ વૃદ્ધિ પામે છે ત્યારે કેટલાક ટીકાકારો કહેવા લાગે છે કે હજી તો વ્યક્તિદીઠ જીડીપી નીચો છે. જોકે આ ટીકાકારોએ યાદ રાખવું જોઈએ કે ભારત કંઈ મોનાકો જેવો નાનકડો દેશ નથી. ભારત 1.4 બિલિયન લોકોની વસ્તી ધરાવતો દેશ છે. ભારતીયોની આવક ઝડપથી વધી રહી છે.
સિદ્ધાર્થ કહે છે કે વર્ષ 2023માં ભારતીયોની વ્યક્તિદીઠ આવક 9.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી, જે યુરોપના ઘણા દેશો કરતાં વધારે છે. ભારત જેવા વિશાળ દેશને ગણ્યાગાંઠ્યા માપદંડોથી માપી ન શકાય. ભારતનો વ્યાપ અને તેની વ્યૂહાત્મક અસર બંનેને જોઈએ તો ભારતીય અર્થતંત્ર કેટલીય રીતે બીજા અર્થતંત્રોને પાછળ છોડી રહ્યું છે.
આર્થિક નિષ્ણાત સિદ્ધાર્થે બીજી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારત યોગ્ય ટ્રેક પર છે અને તેની વ્યક્તિદીઠ આવક વૃદ્ધિ પામી રહી છે, સ્થિર નથી. આ એક ગજબનાક બાબત છે. નીતિ આયોગના ચેરમેન અને સીઇઓ બી.વી.આર. સુબ્રમણ્યને જણાવ્યું હતું કે જો ભારત તેના આયોજનને ચુસ્ત રીતે વળગી રહે તો આગામી બેથી ત્રણ વર્ષમાં જર્મનીને પાછળ છોડી વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter