ચેન્નઈઃ ભારતનાં સૈનિક સંશોધન સંસ્થાન ડીઆરડીઓએ રિમોટ કન્ટ્રોલથી સંચાલિત માનવ રહિત ટેન્ક મંત્રાનું નિર્માણ કર્યું છે. મંત્રા ત્રણ પ્રકારે તૈયાર કરાઈ છે, જે સર્વેલન્સ, માઇન ડિટેક્શન અને પરમાણુ તથા જૈવિક હુમલાની ધમકી હોય તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગનું કામ કરશે. અવાડીસ્થિત કોમ્બેટ વિહિકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા ભારતીય સેના માટે આ ટેન્ક તૈયાર કરાઈ છે. અર્ધલશ્કરી દળોએ પણ નક્સલવાદગ્રસ્ત વિસ્તારોમાં આ ટેન્કનો ઉપયોગ કરવા રસ દર્શાવ્યો છે પરંતુ તે માટે ટેન્કમાં થોડા બદલાવ કરવા પડશે. અવાડીમાં સીવીઆરડીઈમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબદુલ કલામને શ્રદ્ધાંજલિ આપવા ડીઆરડીઓ દ્વારા આયોજિત સાયન્સ ફોર સોલ્જર્સ પ્રદર્શનમાં આ ટેન્ક મૂકવામાં આવી હતી. આ ટેન્કોનું પરીક્ષણ રાજસ્થાનમાં આવેલા મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં કરાયું હતું. અહીં રણની બાવન ડિગ્રી ગરમી તથા ધૂળિયા વાતાવરણની વિપરીત પરિસ્થિતિમાં પણ ટેન્ક પરીક્ષણમાં સફળ રહી હતી. આ ટેન્કને રિમોટ કમાન્ડ સેન્ટર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. પ્રદર્શનમાં આ કમાન્ડ સેન્ટર પણ પ્રદર્શિત કરાયું હતું. પ્રદર્શનમાં ડીઆરડીઓએ હેલ્મેટ માઉન્ટેડ નાઇટ વિઝનથી માંડીને નેનો ડ્રિવન થર્મલ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોટેક્શન, લેસર વેપન્સ રજૂ કર્યાં હતાં.