નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. ભારત અને ઈરાન વચ્ચે વાતચીત થયા પછી શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગેસ ટેન્કર્સ પર્શિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને ભારતમાં ગુજરાતના બંદરે લાંગર્યા હતા.
આ પૂર્વે જયશંકરે કહ્યું હતું ‘અત્યારે હું તેમની (ઈરાન) સાથે વાતચીત કરી રહ્યો છું અને આ વાતચીતનાં થોડાં પરિણામ મળ્યાં છે.’ તેમણે કહ્યું કે ભારતીય ધ્વજવાળાં જહાજોને પસાર થવા દેવા માટે કોઈ સામાન્ય કે કાયમી સમજૂતી નથી થઈ અને તેના બદલામાં ઈરાનને કશું નથી મળ્યું.
શનિવારે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી લિક્વિડ નેચરલ ગેસ લઈને જઈ રહેલાં બે ભારતીય ટેન્કર્સ સુરક્ષિત પસાર થયાંના સમાચાર જાણવા મળ્યા, એ જ સમયે ઈરાની અધિકારીઓએ ઈરાની તેલથી લાદેલાં બીજાં ઘણાં ટેન્કર્સને પણ પસાર થવા દેવાની જાહેરાત કરી હતી.
શું ઇરાને પણ ભારત પાસે તેના
૩ ટેન્કર જહાજોની માગણી કરી?
એક અહેવાલ અનુસાર, ઈરાને ફેબ્રુઆરીમાં જપ્ત કરાયેલા તેના ત્રણ ઓઇલ ટેન્કર છોડવાની માગ ભારત પાસે કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દૃરમિયાન આ મુદ્દો ઉઠાવાયો હતો. ઈરાને ભારત પાસે કેટલીક દૃવાઓ અને મેડિકલ ઉપકરણોની માગ પણ કરી છે. આ મુદ્દા પર ઈરાનના રાજદૂતે સોમવારે નવી દિૃલ્હીમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. ભારતે ફેબ્રુઆરીમાં એસ્ફાલ્ટ સ્ટાર, અલ જાફઝિયા, અને સ્ટેલર રૂબી નામના ત્રણ ટેન્કર જપ્ત કર્યા હતા. આરોપ છે કે આ જહાજોએ પોતાની ઓળખ છુપાવી હતી અને સમુદ્રમાં ગેરકાયદે ‘શિપ-ટુ-શિપ ટ્રાન્સફર’માં ભાગ લીધો હતો. હાલમાં આ ટેન્કરો મુંબઈ પાસે લંગર નાખેલા છે.
ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું પસાર થવું અત્યંત મહત્વનું છે, કારણ કે દેશની આશરે મોટા ભાગની આયાત ગલ્ફ ક્ષેત્રમાંથી થાય છે. ફારસની ખાડીમાં હાલમાં 22 ભારતીય જહાજો અને 611 ભારતીય નાવિકો હાજર છે, જેની અવરજવર પર નજર રખાઇ રહી છે.


