ભારતની સંરક્ષણ નિકાસ વર્ષમાં 62 ટકા વધીને રૂ. 38,424 કરોડ થઇ

Sunday 14th June 2026 08:50 EDT
 
 

નવી દિલ્હીઃ એક સમયે લશ્કરી શસ્ત્રસરંજામ ક્ષેત્રે ટોચનો આયાતકાર ભારત દેશ હવે નિકાસ ક્ષેત્રે નવા સીમાચિહ્ન અંકિત કરી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે ભારતે નાણાં વર્ષ 2025-26માં રૂ. 38,424 કરોડની સંરક્ષણ નિકાસ કરી છે, જે અગાઉની સરખામણીમાં 62 ટકા વધુ છે. આ સાથે જ ભારતે 2029-30 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રે 50,000 કરોડ રૂપિયાની નિકાસનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
ભારતની સૌથી ઘાતક ‘બ્રહ્મોસ ’મિસાઈલ માટે ફિલીપાઈન્સ, વિયેતનામ અને અન્ય દેશો સાથે મળીને આશરે 12,500 કરોડ રૂપિયાના કરારો થયા છે. માત્ર ફિલીપાઈન્સ સાથે જ આશરે રૂ. 3200 કરોડની ડીલ પૂર્ણ કરી લેવાઈ છે. વિયેતનામ સાથે રૂ. 5800 કરોડના કરારો થઇ ચુક્યા છે, જેની સત્તાવાર જાહેરાત બાકી છે. ઈન્ડોનેશિયામાં લગભગ રૂ. 3600 કરોડની ડીલ અંતિમ તબક્કામાં છે. તો મલેશિયા અને થાઈલેન્ડે પણ તેમાં રસ દેખાડયો છે.
‘આકાશ’ મિસાઈલ સિસ્ટમ માટે આર્મેનિયા સાથે રૂ. 6100 કરોડની ડીલ થઇ ચુકી છે અને જેની ડિલીવરી પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. આર્મેનિયાની વાર્ષિક પરેડમાં પણ આકાશ મિસાઇલ જોવા મળી હતી. આ ઉપરાંત આફ્રિકા, દક્ષિણ અમેરિકાના દેશોએ પણ ‘આકાશ-1એચ’માં રસ દેખાડયો છે. જ્યારે ‘આકાશ-એનજી’ને લઈને નવી વાતચીત ચાલી રહી છે.
બીજી તરફ ભારતની ‘પિનાકા’ રોકેટ સિસ્ટમની ડિલીવરી આર્મેનિયાને કરવામાં આવી રહી છે. ગાઈડેડ ‘પિનાકા’ની મારકક્ષમતા 75 કિમી છે જેને ખરીદવામાં ફ્રાંસ પણ રસ દાખવી રહ્યું હોવાના અહેવાલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter