ભારતનું ગોલ્ડ બાર - સિક્કાનું રોકાણ 55 ટનને પારઃ આઠ વર્ષ બાદ સૌથી વધુ

Sunday 12th November 2023 10:34 EST
 
 

અમદાવાદઃ ભારતમાં પીળી ધાતુ મૂડીરોકાણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. બેંક એફડી, ઈક્વિટી કે રોકડને પણ લોકો જોખમી માનશે, પરંતુ સોનામાં રોકાણને સુરક્ષિત માને છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટના આંકડા દર્શાવે છે કે ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ભારતમાં ગોલ્ડ બાર અને કોઈનનું રોકાણ 55 ટન સુધી પહોંચી ગયું છે, જે 2015ના ત્રીજા ક્વાર્ટર બાદનું સૌથી વધુ છે.

જોકે તહેવારોની આ મોસમ દરમિયાન સોનું તેની ચમક ગુમાવી શકે છે કારણ કે ઉંચી કિંમત માંગને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે સોનાના ભાવમાં વધારો થવાથી વોલ્યુમની દૃષ્ટિએ ખરીદી ત્રણ વર્ષમાં સૌથી નીચી રહી શકે છે.

ભારતમાં સોનાની માંગ સામાન્ય રીતે વર્ષના અંતિમ તબક્કામાં મજબૂત હોય છે. પરંપરાગત લગ્નની મોસમ, અક્ષયતૃતીયા અને દિવાળી-દશેરા જેવા મોટા તહેવારોમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનાના બાર અને સિક્કાઓની માંગ વાર્ષિક ધોરણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 20 ટકા વધી હતી અને માંગ પાંચ વર્ષની ત્રિમાસિક સરેરાશ 40 ટન કરતાં 38 ટકા વધુ હતી.
બીજા કવાર્ટરના રોકાણ ભાવથી આવેલ ઘટાડાને રોકાણકારોએ ઝીલ્યો હતો અને ખરીદી કરી હતી. જુલાઈ-સપ્ટેમ્બર 2023 વચ્ચે વૈશ્વિક સોનાની માંગ પાંચ વર્ષની સરેરાશ કરતાં 8 ટકા વધુ હતી, પરંતુ વાર્ષિક ધોરણે 6 ટકા નબળી રહીને 1147 ટન રહી છે તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા જણાવે છે.

પીળી ધાતુના વિશ્વના બીજા સૌથી મોટા ઉપભોક્તા ભારતમાં સોનાની માંગ આ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન 10 ટકા વધીને 210.2 ટન થઈ હતી. પ્રથમ નવ મહિનાની 481.2 ટનની માંગ સાથે સંપૂર્ણ વર્ષ 2023માં સોનાની માંગ 700-750 ટનની રેન્જમાં રહેશે, જે 2022માં 774 ટનની માંગ કરતાં નજીવી ઓછી રહેવાનો અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter