મુંબઈઃ ભારતના કુલ અતિ-શ્રીમંત વ્યક્તિઓ પૈકી 35 ટકા મુંબઈમાં વસે છે. આ સાથે જ ભારત અને અમેરિકામાં ખાનગી સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જેના કારણે વિશ્વમાં પ્રતિદિન 89 નવા અતિ-શ્રીમંતોનો ઉમેરો થઈ રહ્યો છે. વિશ્વની જાણીતી કન્સલ્ટન્સી ફર્મના રિપોર્ટ અનુસાર, ભારતમાં અબજોપતિઓની સંખ્યા વર્ષ 2026માં 207 નોંધાઈ છે. જે આગામી પાંચ વર્ષમાં 51 ટકા વધીને 313 થવાની ધારણ છે. ભારત અબજોપતિઓની સંખ્યામાં અમેરિકા (914) અને ચીન (485) પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે. સંપત્તિ સર્જનમાં ટેકનોલોજી, ઉત્પાદન અને શેરબજારની તેજીનો મોટો ફાળો રહ્યો છે.
વર્ષ 2031 સુધીમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 313 અને અતિ-શ્રીમંત વ્યક્તિઓની સંખ્યા 25,000ને વટાવી જવાની ધારણા છે. આગામી વર્ષોમાં અબજોપતિઓની વસ્તીમાં આશરે 51 ટકાનો જંગી વધારો થવાની શક્યતા છે. ભારતના આર્થિક વિકાસમાં મુંબઈ મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે અને દેશના શ્રીમંતોની સંખ્યા રેકોર્ડ બ્રેક ઝડપે વધી રહી છે. વિશ્વમાં વધતા વ્યાજ દરો અને ફુગાવા વચ્ચે પણ વિશ્વના સૌથી ધનિક વર્ગની વૃદ્ધિ અટકી નથી.
આર્થિક નિષ્ણાતોના મતે, ભારતીય અતિ-શ્રીમંતો માટે રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણના પસંદગીના સેક્ટર્સ રહ્યા છે. મુંબઈના લક્ઝરી પ્રોપર્ટી માર્કેટમાં 8.7 ટકાનો ઉછાળો આવતા તે વૈશ્વિક રેન્કિંગમાં 21મા સ્થાનેથી 10મા સ્થાને પહોંચ્યું છે. મુંબઈમાં 1 મિલિયન ડોલરમાં અંદાજે 96 ચોરસ મીટર પ્રાઇમ રેસિડેન્શિયલ સ્પેસ ખરીદી શકાય છે, જે મોનાકો કે હોંગકોંગ કરતા ઘણી વધારે છે. ભારતમાં વિકાસ મુંબઈ-દિલ્હી સુધી સીમિત નથી. ચેન્નાઈમાં પણ સુપર રિચની સંખ્યા વધી રહી છે. વૈશ્વિક સ્તરે અતિ-શ્રીમંતોની વસ્તી 7,13,626 પર પહોંચી છે.


