નવી દિલ્હીઃ એનએસજીમાં સ્થાન મેળવવાથી ભારત વંચિત રહ્યું છે, પણ મિસાઇલ ટેકનોલોજી કનટ્રોલ રેજિમ (એમટીસીઆર) દેશોમાં તે સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ભારતના વિદેશસચિવ એસ. જયશંકરે સોમવારે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
મહત્ત્વની વાત એ છે કે ભારતને સતત આડખીલીરૂપ બનનાર વિકૃત મનોદશા ધરાવતા પાકિસ્તાન અને ચીનને આ જૂથમાં સ્થાન મળ્યું નથી. આ બંને દેશોને સણસણતો તમાચો પડ્યો હોય તેમ વૈશ્વિક કૂટનીતિમાં સોમવારે નવો વળાંક આવ્યો હતો.
આ શક્તિશાળી જૂથમાં ભારતને સ્થાન મળતાં તે હવે અમેરિકા પાસેથી પ્રેડટર ડ્રોન ખરીદી શકશે. ૨૦૦૪ બાદ ભારત પહેલો દેશ બન્યો છે જેને આ જૂથમાં પ્રવેશ મળ્યો છે. ૨૦૦૪માં બલ્ગેરિયાને આ જૂથમાં સ્થાન અપાયું હતું.
ચીનની એમટીસીઆર જૂથમાં પ્રવેશની અરજી આઠ વર્ષ પહેલાં ફગાવી દેવાઇ હતી. હવે ફરીથી ચીન કે પાકિસ્તાન આ જૂથમાં પ્રવેશ માટે અરજી કરે તો તેને સમર્થન આપવું કે નહીં તે અંગે નિર્ણય કરવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે.