નવી દિલ્હી: દેશ ફરી એક વાર કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, તામિલનાડુ સહિત ૯ રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત ત્રણ દિવસથી નવા કેસની સંખ્યા ૧૮,૦૦૦નો આંક વટાવી રહી છે. સક્રિય કેસની સંખ્યા છેલ્લા ૪ દિવસમાં ૧.૩ ટકા વધી છે. આને પરિણામે એક્ટિવ કેસની ટકાવારી વધીને ૧.૬૮ ટકા થઈ છે. ૪ માર્ચે એક્ટિવ કેસની ટકાવારી ૧.૫૫ ટકા હતી.
દેશનાં ૯ રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, ગુજરાત, કેરળ, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, હરિયાણામાં કેસ સતત વધી રહ્યા છે. સરકાર દ્વારા મહારાષ્ટ્ર અને પંજાબમાં દેખરેખ માટે ઉચ્ચ કક્ષાની ટીમ મોકલવામાં આવી છે.
દેશમાં ૮૬.૨૫ ટકા નવા કેસ એકલા ૬ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુમાં જ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં નવા ૧૧,૧૪૧ કેસ નોંધાયા હતા. જ્યારે ૩૮નાં મોત થયાં હતાં. મધ્ય પ્રદેશમાં નવા ૪૨૯ કેસ સાથે વધુ ૩નાં મોત થયાં હતાં. દિલ્હીમાં નવા ૨૮૬ કેસ, કેરળમાં નવા ૨૧૦૦ કેસ, ગુજરાતમાં નવા ૫૫૫ કેસ, તામિલનાડુમાં ૫૬૭, પંજાબમાં ૧૦૪૩, કર્ણાટકમાં ૬૨૨ કેસ નોંધાયા હતા.
મુંબઈમાં ફરી આંશિક લોકડાઉન?
મુંબઈમાં ૨૪ કલાકમાં નવા કેસની સંખ્યા ૧૩૬૧ થઈ હતી. આ પછી ગાર્ડિયન પ્રધાન અસલમ શેખે સંકેતો આપ્યા હતા કે જો ૮થી ૧૦ દિવસમાં કેસની સંખ્યામાં ઘટાડો થશે નહીં તો આંશિક લોકડાઉન લાદવા સત્તાવાળાઓને ફરજ પડશે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસનો આંકડો ૯૭,૯૮૩ થયો હતો જ્યારે મુંબઈમાં ૯૩૧૯ થયો હતો. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો એપ્રિલ સુધીમાં ૨ લાખ પર પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
મહારાષ્ટ્રમાં બજેટ સત્રમાં સામેલ ૩૬ લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. સંક્રમિતોમાં ૨૩ પોલીસો અને ૨ પત્રકારો હતા. બીજી બાજુ છત્તીસગઢના આરોગ્ય પ્રધાન ટી એસ સિંહ દેવ પણ કોરોના પોઝિટિવ જણાયા હતા.
ઔરંગાબાદમાં વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન
ભારતમાં ૧ માર્ચથી ૭ માર્ચ સુધીમાં ભારતમાં ૧,૧૪,૦૬૮ નવા કેસ નોંધાયાં છે. સપ્તાહમાં સરેરાશ રોજના ૧૦૦ મોત નોંધાયાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને ૧,૮૪,૫૨૩ ઉપર પહોંચી છે. ભારતમાં મહારાષ્ટ્રમાં કોરોના મહામારી કાળો કેર વર્તાવી
રહી છે.
જેના પગલે હવે સત્તાવાળાઓએ ઔરંગાબાદ જિલ્લામાં ૧૧ માર્ચથી સોમથી શુક્ર આંશિક લોકડાઉન અને શનિ-રવિમાં સંપુર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મોલ અને સાપ્તાહિક બજારો બંધ રખાશે. લગ્ન અને અન્ય જાહેર સમારોહને પરવાનગી અપાશે નહીં. રેસ્ટોરન્ટ રાતના ૯ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. હાલ ઔરંગાબાદ જિલ્લામાં રાતના ૧૧થી સવારના ૬ સુધી નાઇટ કરફ્યૂ જારી જ હતો.
પંજાબના ૪ જિલ્લામાં નાઇટ કરફ્યૂ
પંજાબમાં પણ કોરોનાના વધી રહેલા કેસને પગલે સત્તાવાળાઓએ શનિવાર રાતથી ચાર જિલ્લામાં નાઇટ કરફ્યૂ લાદી દીધો છે. પંજાબના મુખ્ય સચિવ વિની મહાજન અને ડીજીપી દિનકર ગુપ્તાએ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ આદેશ જારી કર્યો હતો. પંજાબમાં શનિવાર રાતથી જલંધર, એસબીએસ નગર, હોશિયારપુર અને કપુરથલા જિલ્લાઓમાં રાતના ૧૧થી સવારના પાંચ કલાક સુધી નાઇટ કરફ્યૂ જારી રહેશે.
કોરોના મહામારી અંતિમ ચરણમાં
બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને રવિવારે દાવો કર્યો હતો કે ભારતમાં કોરોના મહામારી અંતિમ ચરણમાં છે અને આ સ્તરે સફળ થવા માટે કોરોના રસીકરણમાંથી રાજનીતિને બહાર રાખવી જોઇએ. જનતાએ વેક્સિન પાછળના વિજ્ઞાનને સમજવું જોઇએ અને પોતાની નિકટના લોકો સમયસર કોરોનાની રસી મૂકાવે તે સુનિશ્ચિત કરવું જોઇએ. અત્યાર સુધીમાં કોરોના રસીના બે કરોડ ડોઝ આપી દેવાયાં છે અને હવે રોજના ૧૫ લાખ ડોઝ આપવામાં આવી
રહ્યાં છે.