ભારતને ભાગલા સમયે જ હિંદુ રાષ્ટ્ર જાહેર કરી દેવો જોઈતો હતો: મેઘાલય હાઇ કોર્ટ

Friday 14th December 2018 03:46 EST
 
 

શિલોંગઃ મેઘાલય સરકાર દ્વારા એક વ્યક્તિને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરવાના મામલે થયેલી અરજીનો ચુકાદો આપતાં જસ્ટિસ એસ. આર. સેને જણાવ્યું હતું કે, ભારતને ભાગલા સમયે જ હિંદુ રાષ્ટ્ર જાહેર કરી દેવાની જરૂર હતી. આઝાદી વેળા અખંડ ભારતના ભાગલા ધર્મના આધારે કરાયા હોવાથી પાકિસ્તાને પોતાને ઇસ્લામિક દેશ જાહેર કર્યો હતો, તેથી ભારતે પણ પોતાને હિંદુ દેશ જાહેર કરી દેવો જોઈતો હતો.
જસ્ટિસ સેને જણાવ્યું હતું કે, કોઈએ ભારતને બીજો ઇસ્લામિક દેશ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં, જો તેમ થશે તો તે વિનાશનો દિવસ હશે. મને વિશ્વાસ છે કે, ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની સરકાર જ આ મામલાની ગંભીરતા સમજી શકશે અને મેં કહ્યું છે તે કરવા માટે જરૂરી પગલાં લેશે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આ મામલાને રાષ્ટ્રીય હિતમાં સહકાર આપશે. ભારતમાં તમામ નાગરિકો માટે એકસમાન કાયદો હોવો જોઈએ અને દેશના કાયદાઓનો વિરોધ કરનારાઓને દેશના નાગરિક ગણવા જોઈએ નહીં.

‘હિજરતી લઘુમતીઓને નાગરિકતા માટે કાયદો ઘડો’

આ ચુકાદામાં જસ્ટિસ સેને એમ પણ જણાવ્યું હતું કે, હું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજો વિના ભારતમાં આવતાં હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી, ખાસી, જૈતિંયા અને ગારો સમુદાયનાં લોકોને ભારતની નાગરિકતા આપવા માટે સરકાર કાયદો ઘડી કાઢવો જોઇએ. આ લોકો ભારતમાં સન્માન સાથે જિંદગી વિતાવી શકે તે માટે કાયદો ઘડવા હું વડા પ્રધાન, ગૃહપ્રધાન, કાયદાપ્રધાન અને સંસદ સભ્યોને અપીલ કરું છું. તેમને કોઈ પણ સવાલ કે દસ્તાવેજ વિના ભારતની નાગરિકતા આપીને ભારતમાં શાંતિથી રહેવાની પરવાનગી આપવી જોઈએ.

આ કેવો ચુકાદો છે?: ઓવૈસી

ઓલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસીએ મેઘાલય હાઇ કોર્ટના આ ચુકાદાની ટીકા કરતાં જણાવ્યું હતું કે, આ કેવા પ્રકારનો ચુકાદો છે? શું સરકાર અને ન્યાયતંત્ર આ ચુકાદાની નોંધ લેશે? મેઘાલય હાઇ કોર્ટના જજ ધિક્કાર ફેલાવી રહ્યા છે.

જજે સત્ય કહેવાની પરંપરા શરૂ કરી

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ કિશોરે જણાવ્યું હતું કે, મેઘાલય હાઇ કોર્ટના જજની ટિપ્પણીને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેને હળવાશથી લેશો નહીં. તેમણે સત્ય કહેવાની પરંપરા શરૂ કરી છે. આમ તો સત્ય ઘણા બોલતાં હોય છે, પરંતુ આ સત્ય પર લોકોનાં મોં બંધ થઇ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter