કોલકાતાઃ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતને એક દિવસ મજબૂત અને શક્તિશાળી દેશ તરીકે જોવાના નેતાજીના સ્વપ્નને દેશ અનુસરી રહ્યો છે. આજે ભારતના સાર્વભૌમત્વને પડકાર આપનાર કોઇ પણને દેશ જડબાતોડ જવાબ આપી રહ્યો છે. વિશ્વ એલએસીથી એલઓસી સુધી નેતાજીના સ્વપ્નના શક્તિશાળી ભારતનો અવતાર જોઇ રહ્યું છે.
નેતાજીએ એક સમયે દેશની જનતાને સ્વતંત્ર ભારતની આશા નહીં ગુમાવવા કહ્યું હતું. તેવી જ રીતે કોઇ ભારતને આત્મનિર્ભર બનતાં અટકાવી શક્તું નથી.
ભારતને કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી અન્ય દેશોને મદદ કરતાં જોઇને નેતાજી ગૌરવ અનુભવતાં હોત. વડા પ્રધાને જણાવ્યું કે, હવે નેતાજીના જન્મદિવસને દેશમાં પરાક્રમ દિવસ તરીકે ઊજવાશે. ઉલ્લેખનીય છે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મ જયંતીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર બે તસવીર શેર કરાઈ હતી, જેમાં કોવિંદ નેતાજીના બે પોટ્રેટનું અનાવરણ કરતા દેખાયા હતા.


