નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે ભારત સાથે મજબૂત સહયોગની સ્થિતિ સ્થાપવા માટે યુરોપે કેટલાક મુદ્દે સંવેદનશીલતા અને પારસ્પરિક હિતોના મહત્વને સમજવાની જરૂર છે. વિદેશ પ્રધાને કહ્યું હતું કે નવી દિલ્હીને સહયોગી મિત્ર દેશોની જરૂર છે, ઉપદેશકોની જરૂર નથી. નવી દિલ્હી ખાતે આયોજિત આર્કટિક સર્કલ ઈન્ડિયા ફોરમને સંબોધન કરતાં વિદેશ પ્રધાને ઉપર મુજબ જણાવ્યું હતું.
ફોરમ દ્વારા આયોજિત સમારંભને સંબોધતાં જયશંકરે જણાવ્યું હતું કે ભારત હંમેશા રશિયાના વાસ્તવિક વલણોની તરફદારી કરતો રહ્યો છે. બંને વચ્ચેના સંબંધો તેથી જ એકબીજાને પૂરક છે.
સંસાધન પૂરા પાડનારા દેશ અને ગ્રાહકના રૂપમાં બંનેના સંબંધો વાસ્તવિકતાના ધરાતલ પર આગળ વધી રહ્યા છે. રશિયાને સામેલ કર્યા વિના જ રશિયા-યૂક્રેન સંઘર્ષનું સમાધાન શોધવા પશ્ચિમના જગત દ્વારા ભૂતકાળમાં થયેલા પ્રયાસની આલોચના કરતાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે પશ્ચિમજગત વાસ્તવિકતાના સિદ્ધાંતને પડકારે છે.