ભારતનો આર્થિક મોરચે હનુમાન કૂદકોઃ જીડીપી ગ્રોથમાં ૨૦.૧ ટકાનો ઉછાળો

Wednesday 01st September 2021 05:28 EDT
 
 

નવી દિલ્હીઃ કોવિડ મહામારીના મહાસંકટ પછીના નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨નો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારત માટે આર્થિક મોરચે શુભ સમાચાર લઇને આવ્યો છે. આ ગાળામાં જીડીપી ગ્રોથમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે. જૂન ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વૃદ્ધિ દર તીવ્ર ઉછાળા સાથે ૨૦.૧ ટકા થયો છે. આ અત્યાર સુધીમાં કોઈ પણ ત્રિમાસિક ગાળામાં નોંધાયેલો સૌથી ઉંચો વૃદ્ધિ દર છે. ઉલ્લેખનીય છે કે માર્ચ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ ૧.૬ ટકા હતો. જ્યારે ગયા વર્ષે જૂનમાં ગ્રોથ રેટ નેગેટિવ ૨૪.૪ ટકા રહ્યો હતો.
રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૨૧.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. આ સાથે જ રોઈટર્સના સરવેમાં સામેલ ૪૧ અર્થશાસ્ત્રીઓએ ગ્રોથને લગતો જે અંદાજ વ્યક્ત કર્યો હતો તેની સરેરાશ ૨૦ ટકા હતી. આમ જીડીપી ગ્રોથ તેની બિલકુલ નજીક છે.
ગ્રોથ રેટમાં આટલા મોટા ઉછાળા પાછળ સ્પષ્ટપણે બેઝ ઈફેક્ટ જવાબદાર છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે વધારે સારી તસવીર માટે આપણે જીડીપીનો ત્રિમાસિક આધાર જોવાનો હોય છે. સારી વાત એ છે કે તેમાં ત્રિમાસિક આધાર પર સુધારા આવતા હોય છે. ચાલુ નાણા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા સમયે ટોટલ જીવીએ (ગ્રોથ વેલ્યુ એડેડ) ૩૦.૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગત નાણાકીય વર્ષની તુલનામાં ૧૮.૮૦ ટકા વધારે છે. અલબત બે નાણાકીય વર્ષથી ૨૨.૪ ટકા ઓછો છે. જીવીએથી અર્થતંત્રનું કુલ આઉટપુટ અને ઈન્કમ અંગે માહિતી મળે છે.
રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ૨૧.૩ ટકા
બીજી બાજુ, એપ્રિલથી જુલાઈ વચ્ચે રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષ માટેના ટાર્ગેટના ૨૧.૩ ટકા પર પહોંચી ગઈ છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજકોષીય ખાધ ૩.૨૧ લાખ કરોડ રૂપિયા રહી છે. આ બાબતની માહિતી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાકીય માહિતીથી જાણી શકાય છે. સરકારને કરવેરા સ્વરૂપમાં રૂપિયા ૫.૨૧ લાખ કરોડ મળ્યા છે જ્યારે તેમની કુલ રૂપિયા ૧૦.૦૪ લાખ કરોડનો ખર્ચ કર્યો છે. કોવિડને પગલે આ વર્ષે સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધ માટે ૬.૮ ટકા લક્ષ્યાંક નક્કી કર્યો છે.
નિષ્ણાતોની મિશ્ર પ્રતિક્રિયા
ગ્રોથને લગતા આંકડા જોવામાં આવે તો તે શાનદાર લાગે છે, જોકે તેનાથી કેટલાક આર્થિક બાબતના નિષ્ણાતો થોડા નિરાશ દેખાય છે. કોટક મહિન્દ્રા બેન્કના સિનિયર ઈકોનોમિસ્ટ ઉપાસના ભારદ્વાજે કહ્યું કે ગ્રોથ રેટ તેમના ૨૧.૭ ટકાના અંદાજથી નીચો છે. જોકે ડીબીએસ બેન્ક-સિંગાપોરના અર્થશાસ્ત્રી રાધિકા રાવે ગ્રોથ રેટ અંગ સંતોષ વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે ગ્રોથ રેટ તેમના અંદાજ પ્રમાણે રહ્યો છે.
કોટકના ભારદ્વાજે કહ્યું કે જુલાઈ બાદથી આર્થિક એક્ટિવિટીમાં સુધારાની આવવાની શરૂઆત થઈ અને હવે આ સુધારામાં વેગ આવ્યો છે. વેક્સિનેશનમાં ઝડપ આવવાની સાથે આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળી શકે છે. આઇડીએફસી એએમસીના શ્રીજીત બાલાસુબ્રહ્મમણ્યમનું કહેવું છે કે ત્રીજી લહેરના જોખમને જોતા હવે વેક્સિનેશન પર તેનો આધાર રહેલો છે.
મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમના જણાવ્યા પ્રમાણે ગૂગલ મોબિલિટી ઈન્ડિકેટર એક્ટિવિટી વધી હોવાના સંકેત આપે છે. તેમણે કહ્યું કે આ હાઈ ફ્રિકન્વસી ઈન્ડિકેટર પ્રમાણે ગ્રોસરી એક્ટિવિટી પણ કોવિડ અગાઉના લેવલ પર આવી ગઈ છે. એટલે કે સુપરમાર્કેટ, અનાજના ગોદામો, ખેડૂત મંડીઓ, દવાની દૂકાનો પર લોકોની અવર-જવર વધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter