નવી દિલ્હી: ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા એકસ પર જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2025-26માં 38,424 કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 માં, સંરક્ષણ નિકાસમાં 14,802 કરોડ રૂપિયાની વૃદ્ધિ નોંધાઈ છે, જે દેશની અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને તેના આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવે છે.
પાંચ વર્ષમાં ત્રણ ગણો વધારો
અહેવાલ અનુસાર, સંરક્ષણ નિકાસમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (ડીપીએસયુ) એટલે કે સરકાર હસ્તકના જાહેર સાહસોનું યોગદાન 54.84 ટકા રહ્યું છે, જ્યારે ખાનગી ક્ષેત્રનો હિસ્સો 45.16 ટકા છે. ખાનગી ક્ષેત્રે 17,353 કરોડ રૂપિયાના માલની નિકાસ કરી હતી. જ્યારે સરકારી જાહેર સાહસોએ 21,071 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
વીતેલા વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2024 માં સંરક્ષણ નિકાસ 21,083 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2025માં 23,622 કરોડ રૂપિયા હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં સંરક્ષણ નિકાસ લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે.
80થી વધુ દેશોમાં સંરક્ષણ નિકાસ
સંરક્ષણ મંત્રાલયે નાણાવર્ષ 2026માં આ કામગીરીને સીમાચિહ્નરૂપ ગણાવી હતી. મંત્રાલયે વધુમાં નોંધ્યું છે કે ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિ સતત વધી રહી છે. આ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય તખતે મજબૂત બનીને ઉભરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં, ભારત 80થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યું છે.
નિકાસકારોની સંખ્યા વધી
અહેવાલમાં જણાવ્યા મુજબ સંરક્ષણ નિકાસકારોની સંખ્યા 128થી વધીને 145 થઈ છે, જે 13.3 ટકાનો વધારો દર્શાવે છે. સંરક્ષણ ઉત્પાદન વિભાગે નિકાસ પ્રક્રિયાઓને સરળ બનાવી છે. તેમજ ઓનલાઈન પોર્ટલ વધાર્યા છે અને સર્ટિફિકેશનની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરી છે જેના થકી ભારતના સંરક્ષણ ઉદ્યોગે વૈશ્વિક સ્પર્ધાત્મક માહોલમાં મજબૂત સ્થાન બનાવ્યું છે.


