ભારતનો સૌથી મોટો રિયલ્ટી સોદોઃ નેહરુનો બંગલો રૂ. 1100 કરોડમાં વેચાયો

Sunday 14th September 2025 06:37 EDT
 
 

નવી દિલ્હી: દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો રાજસ્થાનના શાહી પરિવારના સભ્યો રાજકુમારી કાકર અને બિના રાની પાસેથી એક અગ્રણી બિઝનેસમેન ખરીદી રહ્યા છે. આ બિઝનેસમેન દેશના ઠંડા પીણાંના બજારમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બંગલો માલિકોએ 1400 કરોડ રૂપિયાની માંગ કરી હતી પણ આખરે 1100 કરોડ રૂપિયામાં સોદો પત્યો હોવાનું મનાય છે. અગ્રણી કાયદા કંપનીએ જાહેર નોટીસ આપી આ બંગલોના વેચાણ મામલે કોઇ વાંધાવચકાં હોય તો સાત દિવસમાં તેની રજૂઆત કરવા જણાવ્યું છે. રાજધાનીમાં મોતીલાલ નેહરુ માર્ગ પર પ્લોટનંબર પાંચમાં બ્લોક નંબર 1417 ખાતે 14,973.383 મીટર વિસ્તારમાં પથરાયેલો આ બંગલો હાલ રાજકુમારી કાકર અને બિના રાનીની માલિકીનો છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત વિસ્તાર લુટિયન્સ બંગલો ઝોનમાં આવેલો આ 3.7 એકર જગ્યામાં 24,000 ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે. આ વિસ્તારને 1912 અને 1930 દરમ્યાન બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
દેશના સૌથી મોંઘા અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં વિશાળ જગ્યામાં પથરાયેલાં આ બંગલોને ખરીદવાની હેસિયત બહુ થોડાં બિલિયોનેર ધરાવે છે. આ બંગલોના વેચાણ માટે કાનુની પ્રક્રિયા એકાદ વર્ષથી ચાલુ હતી, જે હવે પૂરી થઇ ગઇ હોવાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter