ભારતભરમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રચંડ લોકજુવાળ

Thursday 26th December 2019 13:57 EST
 
 

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં પસાર કરાયેલા નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધમાં ડાબેરી પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા ગયા ગુરુવારે દેશવ્યાપી બંધનું એલાન અપાયું હતું. જેના અનુસંધાનના દેશના ૧૨ રાજ્યોમાં આ કાયદાના વિરોધમાં પ્રચંડ લોકજુવાળ જોવા મળ્યો હતો. દેશભરમાં હજારો લોકોએ સડકો પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને સંભલમાં દેખાવકારો હિંસા પર ઊતરી આવતાં પોલીસ અને આદોલનકારીઓ વચ્ચે અથડામણો સર્જાઇ હતી. લખનઉમાં થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક પોલીસકર્મી સહિત ૩ને ઇજા પહોંચી હતી. કર્ણાટકના મેંગલોરમાં પોલીસ મથક પર હુમલો કરી તોફાને ચડેલા ટોળાને વિખેરવા પોલીસે કરેલા ગોળીબારમાં બેનાં મોત થયાં હતાં. શહેરના પાંચ પોલીસ મથક વિસ્તારોમાં કરફ્યૂ લદાયો હતો.
ઉત્તર પ્રદેશમાં લખનઉના હજરતગંજ વિસ્તારમાં હિંસક બનેલા ટોળાઓએ સંખ્યાબંધ સ્થળોએ તોડફોડ કરી હતી. ટોળાએ મદેયગંજ પોલીસ ચોકી પર હુમલો કરીને સંખ્યાબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. લખનઉના ઘણા વિસ્તારોમાં લોકોના ટોળાઓ સડકો પર તોફાને ચડયાં હતાં અને પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. ઠાકુરગંજ વિસ્તારમાં સતખંડા પોલીસ ચોકીને આગ ચાંપી દેવાઇ હતી. પ્રેસ ક્લબ નજીક ટોળાએ ટીવી ચેનલોની ચાર ઓબી વાનને આગને હવાલે કરી હતી. લખનઉ શહેરના ૨૨ મેટ્રો સ્ટેશન બંધ કરાવી દેવાયાં હતાં. ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં પણ સડકો પર તોફાને ચડેલાં ટોળાએ રાજ્ય પરિવહનની ચાર બસોને આગ ચાંપી દીધી હતી. શહેરમાં સત્તાવાળાઓએ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. અલીગઢમાં એએમયુના પ્રાધ્યાપકો દ્વારા શાંત રેલીનું આયોજન કરાયું હતું. મેરઠ અને અલીગઢમાં ૨૪ કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઇ છે.

તોફાનીઓની સંપત્તિ જપ્ત થશે

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, મેં સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. તમે વિરોધના નામે હિંસા આચરી શકો નહીં. સરકાર તોફાની તત્ત્વો સામે સખ્ત કાર્યવાહી કરશે. જે લોકો હિંસામાં સામેલ જણાશે તેમની સંપત્તિ જપ્ત કરાશે અને તેના દ્વારા સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઇ કરાશે. રાજ્યમાં પ્રસરેલી હિંસાને ધ્યાનમાં લેતાં સરકારે ત્રણ યુનિવર્સિટીમાં યોજાનારી પરીક્ષાઓ રદ કરી નાખી છે.

મુંબઇમાં મહાકાય રેલી

મુંબઇના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં રાજકીય પક્ષોના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ એકઠાં મળી નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ, વિવિધ સમુદાયના લોકો, રાજકીય પાર્ટીઓના કાર્યકરો પ્લે કાર્ડ, બેનરો લઇ આઝાદ મેદાન પહોંચ્યાં હતાં. નાગપુરમાં મુસ્લિમ સમુદાયની મહિલાઓેએ સીએએના વિરોધમાં રેલીઓ કાઢી હતી. મુંબઇમાં અને પૂણે યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો દ્વારા કાયદાના સમર્થનમાં રેલી કઢાઇ હતી.

જયપુરમાં ટકરાવ

જયપુર ખાતે ડાબેરી પક્ષો દ્વારા નાગરિકતા કાયદાના વિરોધમાં રેલીનું આયોજન કરાયું હતું. તે વેળા કાયદાનું સમર્થન કરી રહેલા વકીલોનું એક ટોળું ધરણા સ્થળે પહોંચી જતાં કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ટકરાવ થયો હતો.

કેરળમાં રાજભવનને ઘેરાવ

કેરળમાં ડેમોક્રેટિક યુથ ફેડરેશનના સેંકડો કાર્યકરોએ કાયદાના વિરોધમાં રાજભવન સુધી કૂચ કરી હતી. પોલીસે દેખાવકારોને વિખેરવા વોટરકેનનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેમણે દેખાવો જારી રાખ્યાં હતાં.

બેંગ્લૂરુમાં ગુહાની અટકાયત

કર્ણાટકમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં. બેંગ્લૂરુમાં પોલીસે ઇતિહાસકાર રામચંદ્ર ગુહા સહિત ૧૦૦થી વધુની ધરપકડ કરી હતી. શહેર પોલીસે મહાત્મા ગાંધી જેવી વેશભૂષામાં આવેલા એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.

બિહારમાં જડબેસલાક બંધ

બિહારમાં ડાબેરી પક્ષોએ આપેલા બંધના પગલે સંખ્યાબંધ શહેરોમાં વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં. સીપીએમના કાર્યકરોએ પટણા, દરભંગા અને ખગડિયામાં ટ્રેનો અટકાવી દીધી હતી. નેશનલ હાઇવે ૧૦ અને ૮૩ પર ચક્કાજામ સર્જાયો હતો.

કોલકાતામાં વિશાળ રેલી

પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચા દ્વારા ટોચના નેતાઓની આગેવાનીમાં રામલીલા મેદાનથી પાર્ક સરકસ સુધી બે કિલોમીટર લાંબી રેલી સભામાં ફેરવાઇ હતી. મુખ્ય પ્રધાન મમતા બેનરજી દ્વારા પણ સતત પાંચમા દિવસે રેલીનું આયોજન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter