ભારતમાં AI રોકાણની હોડઃ 4 કંપની 5 વર્ષમાં રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરશે

Saturday 20th December 2025 14:28 EST
 
 

નવી દિલ્હીઃ ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો છે ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનનો.
એમેઝોને જાહેરાત કરી છે કે તે 2030 સુધીમાં ભારતમાં તેનું રોકાણ વધારીને 3.15 લાખ કરોડ કરશે. આ નાણાં એઆઈ-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ, નવી નોકરીઓ અને વ્યવસાય વિસ્તરણમાં રોકાણ કરાશે. એમેઝોનની નવી રોકાણ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરના સમયમાં ચાર મોટી કંપનીઓએ કુલ રૂ.6 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે.
• એમેઝોન: આ મહિનાના પ્રારંભે જ એમેઝોને તેલંગણ અને મહારાષ્ટ્રમાં ડેટા સેન્ટર વિસ્તરણ દ્વારા એઆઈ અને વેબ સેવાઓ ક્ષમતાઓને મજબૂત કરવા રૂ. 1.14 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. હવે ગયા બુધવારની જાહેરાત સાથે કુલ રોકાણ વધીને રૂ. 3.15 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. 2010થી અત્યાર સુધી કુલ રોકાણ રૂ. 3.32 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
• ગુગલ: ઓક્ટોબરમાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એઆઈ હબ અને ડેટા સેન્ટર માટે પાંચ વર્ષમાં રૂ. 1.35 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ ભારતમાં ગુગલનું સૌથી મોટું રોકાણ છે. વિશાખાપટ્ટનમ્ પ્રોજેક્ટ યુએસની બહાર સૌથી મોટો એઆઇ/ડેટા સેન્ટર કેમ્પસ હશે.
• માઇક્રોસોફ્ટ: કંપનીએ ભારતમાં (ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે) ચાર વર્ષમાં રૂ. 1.57 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે. કંપની દ્વારા એશિયામાં થનારું આ સૌથી મોટું રોકાણ છે. જાન્યુઆરીમાં જાહેર કરાયેલા રૂ. 27,000 કરોડના રોકાણનું વિસ્તરણ છે, જે કંપની 2026ના અંત સુધીમાં ખર્ચ કરશે. કંપનીના ભારતમાં 22 હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત છે.
• મેટા: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ આ વર્ષે ઓગસ્ટમાં રિલાયન્સ સાથે ભાગીદારી કરી. બન્નેએ ભારત અને પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યવસાયો માટે એઆઈ સોલ્યુશન્સ વિકસાવવા અને વિસ્તૃત કરવા માટે રૂ. 900 કરોડના પ્રારંભિક રોકાણની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter