ભારતમાં આર્થિક મંદી ગંભીર બનશે: વિશ્વ બેંકની ચેતવણી

Wednesday 16th October 2019 07:11 EDT
 

નવી દિલ્હીઃ વિશ્વ બેંકે વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર ૭.૫ ટકાથી ઘટાડીને ૬ ટકા સુધી ઘટાડીને ભારતની આર્થિક મંદી ગંભીર બનવાની ચેતવણી આપી છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, ગંભીર આર્થિક મંદી દેશના ખસ્તાહાલ બનેલા ફાઇનાન્શિયલ સેક્ટરને વધુ નબળું બનાવશે. એપ્રિલ ૨૦૧૮માં ભારતના અર્થતંત્ર અંગે અનુમાન કરતાં વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને એપ્રિલથી શરૂ થતા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ૭.૫ ટકા રહેવાની સંભાવના છે.
વિશ્વ બેંકે તેના સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ૨૦૨૧માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૯ અને ૨૦૨૨ના નાણાકીય વર્ષમાં ૭.૨ ટકા રહેવાની સંભાવના છે. ભારત સરકારની ઇન્કમ સપોર્ટ યોજનાઓના કારણે ગ્રામીણ માગમાં વધારો, ટેક્સમાં અપાયેલી રાહત અને ક્રેડિટ ગ્રોથમાં વધારો થતાં ભારતના અર્થતંત્રમાં સુધારો આવી શકે છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ, અમેરિકા સાથેના ભારતના કર વિવાદો અને વિશ્વભરમાં ઘટેલી આર્થિક ગતિવિધિઓના કારણે ભારતની નિકાસમાં મધ્યમ વધારાનું અનુમાન છે.
‘સંકટ તરફ આગળ વધતી ભારતીય અર્થવ્યવસ્થા’
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ૧૩મીએ કહ્યું છે કે વધી રહેલી રાજકોષીય ખાધ એશિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમીને એક બેહદ ચિંતાજનક અવસ્થા ભણી ધકેલી રહી છે. બ્રાઉન યુનિવર્સિટીમાં ઓ. પી. જિંદાલ લેક્ચર આપતી વખતે પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના ગંભીર સંકટનું કારણ ઇકોનોમીને લઈને દૃષ્ટિકોણમાં અનિશ્ચિતતા છે. કેટલાક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં ઉલ્લેખનીય સુસ્તી આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter