નવી દિલ્હીઃ આ વર્ષે ઈન્ડિયામાં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે આવેલા ઇન્ટરનેશનલ ટુરિસ્ટની સંખ્યામાં ૧૫ ટકા વધારો નોંધાયો છે. કેટલાય લોકોએ ઈ વિઝા સુવિધાનો ઓપ્શન પસંદ કર્યો હોવાનું પ્રવાસન મંત્રાલયે કહ્યું હતું. સૌથી વધુ ૧૨.૯ ટકા સાથે બ્રિટિશ પ્રવાસીઓએ ઈ વિઝા સવલતનો ઉપયોગ કર્યો હતો. મંત્રાલયના એક નિવેદન મુજબ ભારતમાં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન સૌથી વધુ ૨૦.૧૨ ટકા નાગરિકો બાંગ્લાદેશથી આવ્યા હતા. ભારત આવનારા વિદેશીઓમાં બીજા ક્રમ પર અમેરિકા(૧૬.૨૬ ટકા)ના નાગરિકોનો સમાવેશ છે. બ્રિટન ૧૦.૮૮ ટકા સાથે ત્રીજા ક્રમે અને ફ્રાન્સ ૩.૦૧ ટકા સાથે ચોથા ક્રમ પર રહ્યું છે.
જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન કુલ ૫૬.૭૪ લાખ વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા, જે ગત વર્ષે આ ગાળામાં આવેલા ૪૯.૦૩ લાખ પ્રવાસીઓની સંખ્યા કરતાં ૧૫.૭ ટકાનો વધારો દર્શાવે છે. જુલાઈ મહિનામાં જ ૭.૮૮ લાખ વિદેશી પ્રવાસીઓ ભારત આવ્યા હતા, જે ગત વર્ષે આ મહિનામાં આવેલા પ્રવાસીઓ કરતાં ૭.૪ ટકાનો વધારો દર્શાવે છે. આ પૈકી ૧.૧૯ લાખ પ્રવાસીઓએ ઈ-વિઝા સવલતનો ઉપયોગ કર્યો હતો. ગત વર્ષે જુલાઈમાં માત્ર ૬૮ હજાર પ્રવાસીઓએ ઈ-વિઝા સવલતનો ઉપયોગ કર્યો હતો.