ભારતમાં એફડીઆઇ પ્રવાહ ૬ ટકા વધી ૪૨ બિલિયન ડોલર

Monday 08th July 2019 05:18 EDT
 
 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે હળવી બનાવેલી મૂડીરોકાણ નીતિના હકારાત્મક પરિણામો હવે જોવા મળી રહ્યા છે. ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ (એફડીઆઇ) પોલીસી સરળ બનતાં ૨૦૧૮માં મૂડીરોકાણ પ્રવાહમાં જંગી વધારો નોંધાયો છે. સાનુકૂળ વાતાવરણ અને ઝડપી અમલીકરણના પગલે રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. ૨૦૧૮માં ભારતમાં એફડીઆઇનો આંકડો ૬ ટકા વધીને ૪૨ બિલિયન ડોલર થયો છે. સૌથી વધુ મૂડીરોકાણ મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ્યુનિકેશન અને નાણાંકીય સેક્ટરમાં જોવા મળ્યું છે. આ ઉપરાંત મર્જર એન્ડ એક્વિઝિશન (એમએન્ડએ) પ્રવૃત્તિઓના કારણે પણ વૃદ્ધિ નોંધાઈ હોવાનું યુએનના અહેવાલમાં દર્શાવાયું છે.
યુએનના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૭-૧૮માં સૌથી વધુ એફડીઆઇ મેળવનાર ટોચના ૨૦ પ્રમુખ અર્થતંત્રોમાં ભારતનો સમાવેશ થાય છે. વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ ૨૦૧૯માં યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ વૈશ્વિક એફડીઆઇ પ્રવાહ ૨૦૧૮માં ૧૩ ટકા ઘટીને ૧.૩ ટ્રિલિયન ડોલર રહ્યો છે. જે અગાઉના વર્ષે ૧.૫ ટ્રિલિયન ડોલર રહ્યો હતો. વૈશ્વિક સ્તરે રોકાણ પ્રવાહ છેલ્લા ત્રણ વર્ષથી સતત ઘટી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે ભારત નવા રોકાણકારો માટે ઉભરી રહ્યું છે ત્યારે સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેન્યુફેક્ચરીંગ, ટેલિકોમ્યુનિકેશન તેમજ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં જોવા મળ્યું છે. આ સેક્ટરમાં ક્રોસ બોર્ડર, મર્જર એન્ડ એક્વિઝિશન પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ દેશમાં કુલ એફડીઆઇમાં ઐતિહાસિક રીતે ભારત નાના શહેરોમાં ૭૦થી ૮૦ ટકા રોકાણ પ્રવાહનો હિસ્સો ધરાવે છે. વધુમાં ૨૦૧૭માં ૨૩ બિલિયન ડોલરથી વધીને ૩૩ બિલિયન ડોલર આંબ્યું છે, જેમાં રિટેલ સેક્ટરમાં ૧૬ બિલિયન ડોલર, ઇ-કોમર્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં ૧૩ બિલિયન ડોલરનો સમાવેશ થાય છે.
નોંધપાત્ર મેગા ડિલ્સમાં ભારતના સૌથી મોટા ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટનો સમાવેશ થાય છે, જે અમેરિકન જાયન્ટ વોલમાર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોડાફોન (યુકે) અને અમેરિકન ટાવર (યુએસ) ટેલિકોમ્યુનિકેશન સોદા બે બિલિયન ડોલરના રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter