નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. મંગળવારના અહેવાલો પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસનો આંકડો દેશમાં ૫૦ લાખને પાર થઈ ગયો હતો. મંગળવારે કોરોના કેસનો કુલ આંક ૫૦૦૯૨૯૦ અને કુલ મૃતકાંક ૮૨૦૪૫ નોંધાયો હતો. જ્યારે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૩૯૩૩૪૫૫ નોંધાઈ હતી.
ભારતમાં સૌથી કફોળી સ્થિતિ મહારાષ્ટ્રની છે. તેમાં કુલ કેસની સંખ્યા ૧૦.૭૭ લાખને પાર થઈ છે જ્યારે આશરે જ્યારે ૨૯ હજારથી વધુ મૃત્યુ થયાં છે. તેવી જ રીતે આંધ્ર પ્રદેશમાં કુલ કેસોનો આંકડો ૫ લાખને પાર થયો છે અને મૃતકોની કુલ સંખ્યા પાંચ હજાર નજીક છે. કર્ણાટકમાં પણ ૪.૬૭ લાખ કેસ સામે આવ્યા છે.
અગાઉ સરકારે દાવો કર્યો હતો કે આ વર્ષના અંતે કોરોના સામેની દવા મળી જશે જ્યારે એ પછી કહ્યું કે આગામી વર્ષની શરૂઆતમાં દવા લોંચ થઈ શકે છે. હવે વિશ્વની સૌથી મોટી દવા બનાવતી કંપની સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અદાર પુનાવાલાએ કહ્યું છે કે, દવા કંપનીઓએ ઉત્પાદનમાં સ્પીડ નથી દેખાડી. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે લોકો કોરોના સામે સારવાર લઇ રહેલા ૬૦ ટકા દર્દીઓ માત્ર પાંચ જ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં છે, પણ રિકવરી રેટ હવે ૭૮ ટકાએ પહોંચી ગયો છે. ભારત કોરોના કેસ મામલે વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે પહોંચી ગયું છે. તે પણ ચિંતાનો વિષય છે.
ગૃહ પ્રધાન એઇમ્મમાં દાખલ
ગૃહ પ્રધાન અમિત શાહને શનિવારે મોડી રાત્રે ૧૧.૦૦ વાગે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે એઇમ્સ દ્વારા જણાવાયું હતું કે, સંસદના ચોમાસુ સત્ર અગાઉ સંપૂર્ણ મેડિકલ ચેકઅપ માટે તેઓ દાખલ થયા હતા. અમિત શાહને કોરોના થયા પછી ૩૦ ઓગસ્ટે રજા અપાઈ હતી. તે સમયે ટેસ્ટ કરાવવાની સલાહ અપાઈ હતી. આ અગાઉ શનિવારે એવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે શાહને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત કેન્દ્ર દ્વારા એવી સૂચના પણ જારી કરાઈ હતી કે ગૃહમાં આવતાં પહેલાં દરેક નેતાએ કોરોનાનું ફરજિયાત ટેસ્ટિંગ કર્યાં પછી જ ગૃહમાં આવવાનું રહેશે.
કોરોના પછીની કાળજી રાખો
કોરોનાના ગંભીર સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓ માટે પહેલીવાર વિગતવાર ગાઇડલાઇન જારી કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, આ પ્રકારના દર્દીઓમાં થાક, શરીરનો દુખાવો, ખાંસી, ગળામાં ખારાશ, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો ચાલુ રહે તેવી સંભાવના છે. કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓમાં દેખાતા લક્ષણો અંગેના મર્યાદિત પુરાવા છે અને તેમાં વધુ સંશોધનની જરૂર છે. કોરોનાના ગંભીર સંક્રમણનો સામનો કરનારા અને જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે તેવા દર્દીઓના રિકવર થવામાં વધુ સમય લાગી શકે છે.
પોસ્ટ કોવિડ-૧૯ ગાઇડલાઇન
• માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જાળવો
• પૂરતા પ્રમાણમાં ગરમ પાણી પીવું
• તંદુરસ્તી સારી હોય તો ઘરનું કામ કરી શકાય
• પ્રોફેશનલ વર્ક તબક્કાવાર શરૂ કરવું
• યોગાસન, પ્રાણાયમ અને મેડિટેશન જેવી મધ્યમ કસરત કરવી
• ફિઝિશિયન દ્વારા સૂચિત શ્વાસની કસરત કરવી
• શરીર સાથ આપે તે રીતે સવારે અને સાંજે ચાલવું
• તાજો અને સુપાચ્ય ખોરાક લેવો
• ધૂમ્રપાન અને શરાબ સેવન અવગણવું
• ડોક્ટર દ્વારા સૂચવાયેલી દવાઓનું નિયમિત સેવન કરવું
• ઘેર જ બ્લડપ્રેશર, ટેમ્પરેચર, બ્લડશુગર માપતાં રહેવું
• ખાંસી અને ગળામાં ખારાશ હોય તો મીઠાનાં પાણીના કોગળા કરતાં રહેવું, નાસ લેવો
• ડોક્ટર દ્વારા સૂચિત ખાંસીની દવા લેવી
• તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન લેવલમાં ઘટાડો, છાતીમાં દુખાવો, થાક જેવાં લક્ષણો અવગણવા નહીં
આયુષ મેડિસિન
• દિવસમાં એકવાર એક કપ આયુષ કવાથ પીવો
• દિવસમાં બે વાર ૫૦૦ એમજી સમશમણીવટીનું સેવન
• ૧૫ દિવસ સુધી ૧-૩ ગ્રામ ગિલોય પાઉડર ગરમ પાણી સાથે
• ૧૫ દિવસ સુધી બે વાર ૫૦૦ એમજી અશ્વગંધાનું સેવન
• દિવસમાં એકવાર આમળું ખાવું અથવા ૧-૩ ગ્રામ આમળા પાઉડર ખાવો
• સૂકી ખાંસી હોય તો દિવસમાં બે વાર ગરમ પાણી સાથે ૧-૩ મુલેઠી પાઉડર
• સવાર-સાંજ અડધી ટી સ્પૂન હળદર સાથે ગરમ દૂધ
• હળદર અને મીઠાના પાણીના કોગળા કરવા
• રોજ ૧ ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરવું