નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વકરતો જ જાય છે. દેશમાં ૭૮,૫૧૨ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે જ્યારે ૯૭૧ લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. આ સાથે જ દેશભરમાં કોરોના કુલ કેસ ૩૬ લાખને પાર થઈ ગયા હતા. બીજી તરફ અત્યાર સુધીમાં ૨૭,૭૪,૮૦૧ લોકો સંક્રમણથી મુક્ત થતાં દેશનો રિકવરી રેટ ૭૬.૬૨ ટકા પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશનો કુલ મૃતાંક ૬૪,૪૬૯ થઈ ગયો છે. દેશમાં હજી પણ કોરોનાના સંક્રમણના ૭,૮૧,૯૭૫ એક્ટિવ કેસ છે. આ તમામ લોકોની સારવાર ચાલી રહી છે.
મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, કોરોનાનો દેશમાં મૃત્યુદર ઓછો થયો છે. તે ઘટીને ૧.૭૮ ટકા પહોંચી ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા આઠ દિવસમાં પાંચ લાખ લોકો સાજા થયા છે. પહેલાં લોકોનો સાજા થવાનો આ ક્રમ ૧૦ દિવસ અને નવ દિવસ હતો જે ઘટી ગયો છે. આઈસીએમઆરના મતે ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૪.૨૩ કરોડ નમૂના લેવામાં આવ્યા છે. આ કોવિડ સેમ્પલમાંથી રવિવારે જ ૮,૪૬,૨૭૮ નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. ગંભીર બાબત એ છે કે, દેશમાં રવિવારે કોરોનાના જે કેસ સામે આવ્યા તેના કારણે ભારતનું સ્થાન વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવી ગયું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં સાત, અગિયાર અને બાર સપ્ટેમ્બરે પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
અમિત શાહને હોસ્પિટલમાંથી રજા મળી
ગૃહ પ્રધાન અમિત શાહને હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા છે. અમિત શાહને સોમવારે દિલ્હી સ્થિત AIIMSમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, આ સ્થિતિ દરમિયાન સતત તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવનારા નાગરિકોનો અમિત શાહે ટિવટ પર આભાર માન્યો હતો. જોકે ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં થોડાક દિવસ તેઓ આરામ કરશે.
ઉત્તર પ્રદેશમાં વધુ એક પ્રધાન કોરોના પોઝિટિવ
ઉત્તર પ્રદેશ સરકાર માટે વધુ એક માઠા સમાચાર છે. સોમવારે વધુ એક રાજ્ય પ્રધાન કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઈન થયા હતા. યોગી સરકારના લઘુમતી કલ્યાણ અને હજ રાજ્યમંત્રી મોહસિન રઝાએ સોમવારે ટ્વિટરના માધ્યમથી પોતાની નાદુરસ્ત તબિયત અંગે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, મારામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા હતા. તેના કારણે મેં તપાસ કરાવી હતી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારા સંપર્કમાં આવેલા લોકોએ પણ પોતાનો રિપોર્ટ કરાવીને યોગ્ય પગલાં લેવા. હું હાલમાં હોમ ક્વોરન્ટાઈન છું.
દિવાળી સુધી કાબૂમાં આવી જશે કોરોના
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને દાવો કર્યો છે કે, આ વર્ષે દિવાળી સુધીમાં કોરોના વાઇરસ કાબૂમાં આવી જશે. ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આપણે આ મહામારીને નાથવામાં ઘણા આગળ છીએ અને દિવાળી સુધીમાં સારા પરિણામ જોવા મળશે.