નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા ૨૯૯૭૪ને પાર થઈ ચૂકી છે. દેશમાં આ બીમારીથી ૯૩૭ મૃત્યુ થયાં છે અને ૭૦૨૭ દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ, સુરત, હૈદરાબાદ, ચેન્નઇ અને થાણેમાં સ્થિતિ ગંભીર જણાતા કેન્દ્ર સરકારે ૪ ટીમ મોકલી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી અપાતી છૂટછાટને રદ્દ કરી આ વિસ્તારમાં ટીમને વધુ કડક પગલાં લેવાની સત્તા અપાઈ છે અને તેમાં રાજ્ય સરકાર પોતાની રીતે કોઈ સુધારો નહીં કરી શકે. તેથી શક્ય છે કે આ વિસ્તારમાં લોકડાઉન ૩ મે પછી પણ શક્યતઃ ચાલુ રહેશે અને હજુ પણ વધુ કડક પગલાં લેવાશે. કેન્દ્રની ટીમ કેસોની સંખ્યા તથા મૃતકાંક ઘટાડવા તમામ પગલાં ઘડશે. જેમાં લોકડાઉન તથા કન્ટેનમેન્ટ નિયમોનું પાલન, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન, બહાર ફરતા કે એકઠા થતા લોકો પર નિયંત્રણ, સરકારી સ્ટાફ અને કોરોના વોરિયર્સ સામેના અત્યાચાર, સેમ્પલ કલેક્શન અને ટેસ્ટિંગ ઉપરાંત પીપીઇ કીટ, ટેસ્ટ કીટ, વેન્ટિલેટર, હોસ્પિટલ અને અન્ય સુવિધાની દેખરેખ રાખશે.
એક તરફ ગૃહ પ્રધાન અમિત શાહના ‘અજ્ઞાત વાસ’થી અનેક તર્ક-વિતર્કો વહેતા થયાં છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોની સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી જેમાં અનેક મુખ્ય પ્રધાનોએ લોકડાઉનને ત્રણ મે બાદ પણ લંબાવવાની માગણી કરી હતી. કેટલાક રાજ્યોએ આ નિર્ણય લઇ લીધા છે જેમાં તેલંગાણાનો પણ સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર પણ રાજ્યોની માગણીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવી શકે છે. મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણેમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં સતત વધારાના કારણે મુંબઇ અને પૂણે મેટ્રોપોલિટન રિજિયનમાં ૩ મે પછી પણ લોકડાઉન લંબાવવામાં આવે તેવી સંભાવના છે.
હાલ જે ત્રણ ઝોન રેડ, ઓરેંજ અને ગ્રીન જાહેર કરાયા છે તેમાં ફેરફાર થશે તેના પર લોકડાઉનનો નિર્ણય નિર્ભર રહેશે. વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે રેડ ઝોનને ઓરેંજ અને બાદમાં ગ્રીન ઝોન સુધી લઇ જવાનો છે. તેથી કેસો ઓછા થશે તેમ તેમ લોકડાઉનનની છુટછાટોનો વિસ્તાર પણ વધારવામાં આવશે. આ અંગે અંતિમ નિર્ણયની જાહેરાત આ સપ્તાહમાં જ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
મોદીએ કહ્યું કે જુન-જુલાઇમાં કેસો વધશે
મોદીએ કહ્યું હતું કે આગામી જુન અને જુલાઇ મહિનામાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ શકે છે. મોદીએ આમ કહ્યું હોવાનો દાવો છત્તીસગઢના સ્વાસ્થ્ય પ્રધાન ટીએસ સિંહે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અગાઉ મોદીએ કહ્યું હતું કે મેના અંતિમ સપ્તાહમાં કોરોનાના કેસો અંતિમ તબક્કામાં અને ટોચ પર હશે જ્યારે હવે તેઓ કહી રહ્યા છે કે જુન જુલાઇમાં કેસો વધવાની શક્યતાઓ વધુ છે.
આત્મવિશ્વાસમાં ન રહો
વડા પ્રધાન મોદી રવિવારે મનની વાત કાર્યક્રમમાં કોરોનાના ફેલાવા અંગે જણાવ્યું હતું કે, આપણા મહોલ્લાના સંક્રમણ નહીં થાય એવા આત્મવિશ્વાસમાં ન રહો. તેમણે કહ્યું કે સ્થાનિક તંત્ર, રાજ્ય સરકારોની કોરોના સામેની લડાઇમાં મહત્ત્વની ભૂમિકા છે. હાલમાં જે વટહુકમ આવ્યો આરોગ્યકર્મીઓએ તેની પ્રસંશા કરી છે. પોલીસમાં પણ પહેલા કરતા વધુ પરિવર્તન આવ્યું છે. તેઓ આજે જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે, તમે પોતાની સાથે અન્યોને પણ બચાવવા માગો છો તો માસ્ક જરૂર પહેરો. જાહેરમાં થૂકવાની આપણી ટેવ હતી. તે પણ આપણે છોડવી જોઇએ. તે બેઝિક હાઇજીનની સાથે કોરોનાને ફેલાતો અટકાવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે અગાઉ એવો દાવો કર્યો હતો કે દેશમાં કોરોના વાઈરસનો ચેપ કાબૂમાં જ છે. સમયસર લોકડાઉન લાગુ કરવા, મજબૂત સર્વેલન્સ નેટવર્ક અને કન્ટેન્મેન્ટના અન્ય ઉપાયો જ તેનું કારણ છે. સમયસર લોકડાઉન લાગુ ન કરાયું હોત તો દેશમાં અત્યાર સુધી ચેપગ્રસ્તોનો આંકડો એક લાખ સુધી પહોંચી ગયો હોત. કેન્દ્ર સરકાર તરફથી રચાયેલાં ૧૧ એમ્પાવર્ડ ગ્રૂપ્સમાંથી પહેલા ગ્રૂપના ચેરમેન અને નીતિ આયોગના સભ્ય વી. કે. પોલે કહ્યું કે તેમના વિશ્લેષણ અનુસાર લોકડાઉન અસરકારક રહ્યું. તેનાથી દર્દી બમણા થવાનો દર ધીમો
થયો છે.
વિશ્વના દેશોની સરખામણીએ નિયંત્રણમાં
કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા અને લોકડાઉન દરમિયાન દેશમાં પરિસ્થિતિઓ પર ઘણે અંશે નિયંત્રણ મેળવવામાં સરકાર સફળ થઈ છે તેમ ૨૨મી એપ્રિલે સ્વાસ્થ્ય અને ગૃહમંત્રાલયે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ૨૨મીએ જણાવ્યું હતું કે, ભારતમાં લોકડાઉન જેવી ચોક્કસ વ્યૂહરચનાઓની સફળતાના કારણે કોરોના વાઈરસના કેસોનો વૃદ્ધિદર એકંદરે ધીમો છે અને અમેરિકા તથા બ્રિટન જેવા વિકસિત દેશોની સરખામણીમાં તેની સ્થિતિ ઘણી સારી છે. કેન્દ્રે નોંધ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસનો રિકવરી રેટ પણ વધીને ૨૦ ટકા નજીક પહોંચ્યો છે. દેશમાં લોકડાઉનના ૩૦ દિવસના આ સમયમાં કોરોનાનો પ્રસાર અટકાવવામાં એકંદરે સફળતા મળી છે.
લોકડાઉન પૂર્વ આયોજન વિનાનુંઃ સોનિયા ગાંધી
લોકડાઉનનાં મામલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પત્ર લખીને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે નોટબંધીની જેમ સરકારે પૂર્વ આયોજન વિના લોકો પર લોકડાઉન ઠોકી બેસાડયું છે જેને કારણે દેશમાં કરોડો લોકો બેકારીનાં ખપ્પરમાં હોમાયા છે. આવા નિર્ણયથી દેશને અને સરકારને ફક્ત આર્થિક કે નાણાકીય નુકસાન થાય છે તેવું નથી બીજા પારાવાર નુકસાન પણ થતા હોય છે. ૧૪ કરોડથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે. આવનારા સમયમાં બીજા લાખો લોકો પણ બેકાર થશે.
ભારતીય નાગરિકોના મૃતદેહો લાવવા અરજી
ભારતમાં એક એનજીઓએ ૨૪મી એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતાં કહ્યું છે કે વિદેશમાં જે ભારતીય નાગરિકોનાં મોત કોવિડ-૧૯ વાઇરસથી થયા ન હોય તેમના શબ ભારત લાવવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે. અરજીમાં કહેવાયું છે કે કોરોનાના સંકટ સમયમાં વિદેશમાં રહેતા અનેક નાગરિકો કોરોનાથી મર્યાં નથી. તેમના મોત અન્ય કોઈ કારણોસર થયાં છે. તેમના પરિવારજનોને આ બાબત સાબિત કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ભારતમાં મૃતદેહોને પાછા લાવવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેલવવાની પ્રક્રિયા ઘણી જ ધીમી છે. અરજીમાં કહેવાયું છે કે બહેરિન, કુવૈત અને સાઉદી અરબ જેવા દેશોના એરપોર્ટમાં અનેક ભારતીય નાગરિકોના શબ પડ્યા છે, જેમના મોત કોવિડ-૧૯થી થયા નથી. ભારત સરકાર આ નાગરિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઈનકાર કરે તો આ મૌલિક અધિકારોની કમલ ૨૧નો સીધો ભંગ હશે.