ભારતમાં ગરીબોનાં સપના સાકાર થાય છે, મારી નિયુક્તિ તેની સાબિતીઃ રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મુ

Wednesday 27th July 2022 08:07 EDT
 
 

નવી દિલ્હીઃ સોમવારે દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. દેશન ચીફ જસ્ટિસ એન. વી. રામન્ના દ્વારા તેમને સંસદના સેન્ટ્રલ હોલમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 21 તોપોની સલામી સાથે સેન્ટ્રલ હોલમાં યોજાયેલા દબદબાભર્યા શપથવિધિ સમારોહમાં વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ, વડા પ્રધાન મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મુર્મુએ શપથ લીધા પછી તમામ સાંસદો અને ધારાસભ્યોનો આભાર માન્યો હતો. મુર્મુએ શપથવિધિ પહેલાં રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિભવનમાં તેમને ગોર્ડ ઓફ ઓનર સાથે આવકારવામાં આવ્યાં હતાં.
ભારત માટે મહત્ત્વની ક્ષણઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પહેલા મહિલા આદિવાસી તરીકે દ્રૌપદી મુર્મુનાં રાષ્ટ્રપતિપદે શપથ આખા દેશ માટે મહત્વની ક્ષણ છે, ખાસ કરીને ગરીબો અને નબળા તેમજ સમાજના કચડાયેલા વર્ગના લોકો માટે અનોખી ક્ષણ છે.
ભારતના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુજીની ચૂંટણી ભારતીય લોકશાહી માટે ઐતિહાસિક છે. એક આદિવાસી મહિલાને દેશનાં સર્વોચ્ચપદ સુધી પહોંચવા રાષ્ટ્રને 70 વર્ષ રાહ જોવી પડી તે આપણી લોકશાહીની બીજી જીત છે.
‘આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના વર્ષે મને ખૂબ મોટી તક મળ્યાનો આનંદ’
મુર્મુએ દેશવાસીઓને કરેલા પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે, આ પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી પણ દેશના તમામ ગરીબોની સિદ્ધિ છે. 18 મિનિટના વકતવ્યમાં તેમણે કહ્યું કે ભારતમાં ગરીબોનાં સપના સાકાર થાય છે તે મારી દેશનાં સર્વોચ્ચપદ પર નિયુક્તથી પુરવાર થાય છે. દેશ જ્યારે સ્વતંત્રતાના 75મ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ઉચ્ચ હોદ્દા પર મારી ચૂંટણી અને વરણી ઘણી મહત્ત્વની છે. આદિવાસી સમાજનાં પ્રતિનિધિ તરીકે મને વોર્ડ કાઉન્સિલરથી ભારતનાં રાષ્ટ્રપતિ બનવાની તક મળી છે. આ ભારતની લોકશાહીની મહાનતા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યભાર અંગે જાણવા જેવું...
• રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. તેઓ ફરી પાંચ વર્ષ માટે ચૂંટાઈ શકે છે. • કેન્દ્રનાં પ્રધાનમંડળની ભલામણ પછી જ તેઓ તેમની સત્તાનો ઉપયોગ કરી શકે છે કે કેબિનેટના નિર્ણયને બહાલી આપી શકે છે. • અલબત્ત કેટલાક કિસ્સામાં તેઓ પોતાની નિર્ણયશક્તિને આધીન વીટોનો ઉપયોગ કરીને વટહુકમ પર સહી કરવા ઇનકાર કરી શકે છે. • બંધારણની કલમ 53 મુજબ કેબિનેટના નિર્ણયને તેઓ બહાલ કરી શકે છે. કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરી શકે છે. • કેન્દ્ર અને રાજ્ય તેમજ આંતરરાજ્ય પરિષદની નિયુક્તિ કરી શકે છે • તેઓ વડા પ્રધાન, કેબિનેટના પ્રધાનો ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશોની નિયુક્તિ કરી શકે છે • રાજ્યપાલ, મુખ્ય ચૂંટણી કમિશનર, એટર્ની જનરલની નિયુક્તિ કરી શકે છે. • રાષ્ટ્રપતિ પાસે બંધાણની કલમ 11 મુજબ ત્રણ પ્રકારના વીટો પાવર છે. જેમાં બે કિસ્સામાં પૂર્વ વીટો પાવર, સંસદમાં પસાર કરેલ કોઈ બિલને સહી કર્યા વિના પાછું વાળવું, તેમજ પોકેટ વીટો હેઠળ કોઈ ઠરાવ કે બિલને મંજૂરી વિના પેન્ડિંગ રાખવાનો સમાવેશ થાય છે. • લશ્કરની ત્રણેય પાંખના વડાની નિયુક્તિ કરવાની સત્તા. • યુદ્ધ કે યુદ્ધવિરામની જાહેરાત. • ઇમરજન્સીની જાહેરાતની સત્તા. • કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જાહેર કરવાની સત્તા. • દર મહિને રૂ. પાંચ લાખનો પગાર, મફત તબીબી સારવાર, રહેઠાણ સુવિધા, પર્સનલ સહાયકો, નોકરચાકર, સ્ટાફ કે મહેમાનોનાં ભોજન માટે વર્ષે રૂ. 2.25 કરોડ સુધીનો ખર્ચ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter