નવી દિલ્હીઃ વાયુ વાવાઝોડાને કારણે દેશમાં ૧૦ દિવસ મોડા પડેલા ચોમાસાએ હવે ગતિ પકડી છે અને દેશના અડધા વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે કે દેશના દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં ચોમાસું સક્રિય બન્યું છે. આને કારણે અનેક રાજ્યોમાં ગરમીમાં શેકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ચોમાસું મોડું આવવાથી ૨૨ જૂન સુધીમાં ૮૪ ટકા સબડિવિઝનમાં વરસાદની ૩૮ ટકા ઘટ નોંધાઈ છે. ૨૭ જૂન સુધીમાં દેશના મોટા ભાગનાં વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની ધારણા છે.
કેટલાક રાજ્યો હજી કોરાધાકોર
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનથી ઉદભવેલી ટ્રેક લાઇન બંગાળના અખાત તરફ આગળ વધી રહી છે. આથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળમાં હળવા દબાણને કારણે સારો વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ચંડીગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબમાં ચોમાસાએ હજી સત્તાવાર પ્રવેશ કર્યો નથી.