ભારતમાં ટેલિકોમ, ઓટો, ડ્રોન ક્ષેત્ર પર રાહતનો વરસાદ

Wednesday 22nd September 2021 09:53 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનની દિશામાં આગળ વધતાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ટેલિકોમ, ઓટોમોબાઇલ અને ડ્રોન સેક્ટરને મોટી રાહત અપાઇ હતી. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ૧૫ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરને રાહત આપવા ટેલિકોમ કંપનીઓ પાસે લેણાં નીકળતા સ્પેક્ટ્રમના બાકી લેણાંની ચુકવણી માટે ચાર વર્ષની રાહત આપી છે.
આ ઉપરાંત ટેલિકોમ સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઇને પરવાનગી આપી દેવાઇ છે. ઓટોમેટિક રૂટથી આવનારા આ એફડીઆઇ માટે કેન્દ્ર સરકાર કે ભારતીય રિઝર્વ બેન્કની પરવાનગી લેવાની રહેશે નહીં. ટેલિકોમ સેક્ટરમાં અન્ય આઠ જેટલા મહત્ત્વના સુધારામાં સરકારે ભવિષ્યના સ્પેક્ટ્રમની સમયમર્યાદા ૨૦ વર્ષથી લંબાવીને ૩૦ વર્ષ કરી દીધી છે. જોકે ૧૦ વર્ષ પછી ટેલિકોમ કંપની સ્પેક્ટ્રમ સરેન્ડર કરી શકે છે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે ઓટોમોબાઇલ, ઓટો કોમ્પોનન્ટ અને ડ્રોન ઇન્ડસ્ટ્રી માટેની રૂ. ૨૬,૦૫૮ કરોડની પીએલઆઇ સ્કીમને મંજૂરી આપી છે. આ પૈકી રૂ. ૨૫,૯૩૮ કરોડ ઓટો સેક્ટરને અને રૂ. ૧૨૦ કરોડ ડ્રોન સેક્ટરને ફાળવાશે.

આ ઉપરાંત હવે નવા સીમકાર્ડ માટે ફિઝિકલ કેવાયસીની આવશ્યકતાને રદ કરી દેવાઇ છે. હવે નવા જોડાણ માટે ફિઝિકલ દસ્તાવેજોને સ્થાને ડિજિટલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. પ્રીપેઇડ-પોસ્ટપેઇડ ટ્રાન્સફર માટે દર વખતે દસ્તાવેજો આપવાના રહેતા હતા તે જોગવાઇ પણ નાબૂદ કરી દેવાઇ છે. હાલ સરકાર પાસે ૩૦૦-૪૦૦ કરોડ ફોર્મ વેરહાઉસોમાં સંગ્રહાયેલા છે. ડિજિટલ ઇન્ડિયામાં પેપર વર્કની કોઇ જરૂર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter