મથુરાઃ સ્પેનિશ બનાવટની ટેલ્ગો ટ્રેને ભારતીય રેલવેમાં ઇતિહાસ રચ્યો છે. બુધવારે દેશમાં પ્રથમ વાર ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી હતી. ટેલ્ગોનું મથુરાથી પલવલ સુધી ૮૪ કિમીની ટ્રાયલ રન સફળ રહી હતી. આ સાથે જ ટેલ્ગોએ અત્યાર સુધીમાં સૌથી વધુ ગતિએ દોડનારી ગતિમાન એક્સપ્રેસને પાછળ રાખી દીધી છે. ગતિમાનની મહત્તમ સ્પીડ ૧૬૦ કિમી પ્રતિ કલાક છે.
ટેલ્ગો ટ્રેન સવારે ૧૧.૨૮ કલાકે મથુરા સ્ટેશનથી રવાના થઈ અને બપોરે ૧૨.૦૫ કલાકે પલવલ સ્ટેશને પહોંચી હતી. ટ્રેનના લોકો પાયલોટ સુનીલ કુમાર પાઠકે જણાવ્યું કે, ટ્રેનની મહત્તમ ઝડપ ૧૮૦ કિમી પ્રતિ કલાક રહી હતી. ટ્રેનને ભારતીય ડિઝલ એન્જિન ડબલ્યુડીસી-૪ સાથે દોડાવાઇ હતી.