નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના તેનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. છેલ્લા ૩ મહિના પછી પહેલી વાર સોમવારે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૬,૨૯૧ નવા કેસ નોંધાતા અને નવા ૧૧૮નાં મોત થતા કોરોના ફરી હાહાકાર મચાવી રહ્યો છે. આ અગાઉ ૮૫ દિવસ પહેલાં ૧૯ ડિસેમ્બરે એક જ દિવસમાં ૨૬,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જોકે મંગળવારે કેસની સંખ્યામાં નજીવો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે ૨૪,૪૯૨ કેસ નોંધાયા હતા.
દરમિયાન, ભારત સરકાર દ્વારા મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશમાં સાવધાની રાખવા રાજ્ય સરકારો તેમજ લોકોને તાકીદ કરી છે.
મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક છે. અહીં અનેક શહેરોમાં કડક લોકડાઉન અમલમાં મુકાયું છે. દેશમાં ૨.૧૯ લાખ એક્ટિવ કેસમાંથી ૧.૨૭ લાખ એક્ટિવ કેસ તો એકલા મહારાષ્ટ્રમાં જ છે. કુલ એક્ટિવ કેસના ૭૭ ટકા મહારાષ્ટ્ર, કેરળ, પંજાબમાં છે. દરરોજ નોંધાતા નવા કેસમાંથી ૭૮.૪૧ ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુના છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : અનેક શહેરોમાં લોકડાઉન
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થયો છે. અમરાવતી, અકોલા સહિત અનેક શહેરોમાં લોકડાઉન લાદવાની ફરજ પડી છે. માત્ર ૨૪ કલાકમાં નવા ૧૬,૬૨૦ કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૨૩,૧૪,૪૧૩ને પાર થઈ છે. ૫૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી બાજુ મુંબઈ મ્યુનિસિપાલિટી દ્વારા કોરોનાના નિયમોનો ભંગ કરવા માટે બોલિવૂડ એકટ્રેસ ગૌહર ખાન સામે કેસ કર્યો છે. ગૌહર ખાન કોરોના પોઝિટિવ હોવા છતાં ક્વોરન્ટાઈન રહેવાને બદલે જાહેરમાં ફરતી હતી અને શૂટિંગ ચાલુ રાખ્યું હતું.
મુંબઈમાં નાઇટ કરફ્યૂની નોબત
મુંબઈ શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મુંબઇના મેયર કિશોરી પેડનેકરે એવા નિર્દેશો આપ્યા હતા કે મુંબઈમાં ક્યાં તો નાઈટ કરફ્યૂ લાદવામાં આવશે અથવા તો બજારો બંધ રાખવા ૪૮ કલાકમાં નિર્ણય લેવાશે. લાતુર, નાગપુર, પૂણે, અમરાવતી તેમજ પરભણી જિલ્લાના કેટલાંક શહેરોમાં નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે અને કડક નિયમો લાગુ કરાયા છે.
મધ્ય પ્રદેશમાં નાઇટ કરફ્યૂ માટે વિચારણા
મધ્ય પ્રદેશમાં જે રીતે કેસ વધી રહ્યા છે તે પછી મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે અધિકારીઓને નાઈટ કરફ્યૂ લાદવા વિચારણા કરવા નિર્દેશ આપ્યા છે.