ભારતમાં નાગરિકતા સુધારા કાયદોઃ પૂર્વોત્તર રાજ્યોથી હિંસા દિલ્હી સુધી

Wednesday 18th December 2019 06:55 EST
 
 

નવી દિલ્હીઃ દેશના પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક વિરોધ અને વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ સિટિઝનશિપ કાયદામાં સુધારા કરતા બિલને પસાર કરી દેવાયું છે. રાજ્યસભામાં ભાજપને જેડી-યુ, અકાળી દળ, એઆઇએડીએમકે અને બીજેડી જેવા પક્ષોએ સમર્થન આપ્યું હતું, જેથી બિલના તરફેણમાં ૧૨૫ મત જ્યારે વિરોધમાં ૧૦૫ મત પડયા હતા. જોકે બિલ પસાર કરવા માટે ૧૨૫ મત પૂરતા હતા તેથી આખરે સરકારની જીત થઇ છે. આ સાથે જ હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિક્તા મળશે, જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ નહીં થાય. જોકે આ બિલ પાસ થયા પછી આસામમાં હિંસાની આગ ભડકી હતી જે બંગાળ અને નવી દિલ્હી સુધી ફેલાઈ ચૂકી છે.
રાજ્યસભામાં બિલ પસાર
આ બિલ પસાર કરવા કે ન કરવા મતદાન થયું હતું અને બિલને સમર્થનમાં ૧૨૫ મત મળતા રાજ્યસભાએ મહોર મારી હતી. તેને હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાશે. રાજ્યસભામાં બિલ પસાર કરવા ચર્ચા ચાલતી હતી ત્યારે વિપક્ષે વિરોધ કર્યો હતો અને બિલને કમિટી સમક્ષ મોકલવાની માગ કરી હતી. જોકે કમિટીને બિલ મોકલવું કે કેમ તે માટે રાજ્યસભામાં મતદાન થયું હતું અને કમિટી સમક્ષ મોકલવાના વિરોધમાં ૧૨૪ મત પડયા જ્યારે સમર્થનમાં ૯૯ મત પડયા તેથી કમિટી સમક્ષ બિલ મોકલવાનો પ્રસ્તાવ રદ કરાયો હતો.
કોંગ્રેસી નેતા આનંદ શર્માએ આ બિલનો ઉગ્ર વિરોધ કરી જણાવ્યું હતું કે અમિત શાહ કહે છે કે અમારા મેનિફેસ્ટોમાં આ બિલ અંગે ઉલ્લેખ કર્યો હતો અને અમે અમારું વચન પાળી રહ્યા છીએ. અમિત શાહ એ ભૂલી રહ્યા છે કે રાજકીય પક્ષનો ચૂંટણી ઢંઢેરો બંધારણથી મોટો ન હોઇ શકે. કોંગ્રેસે બાદમાં ભાજપને સરદાર વલ્લભભાઇ પટેલ અને ગાંધીજીની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદીને સરદાર પટેલ મળ્યા હોત તો અતિગુસ્સે થાત કેમ કે તેમણે ક્યારેય દેશને કોમવાદની નજરે નથી જોયો. એક તરફ ગાંધીજીની ૧૫૦મી જયંતી ઉજવો છો અને બીજી તરફ આ બિલ લાવી કોમવાદી વાતાવરણ ઉભું કરી બંધારણની હત્યા કરો છો તે જોઇને ગાંધીજી પણ દુઃખી થાત. ગાંધીજીની ચશ્મા માત્ર જાહેરાતો માટે કે રાજકારણ માટે નથી, આ ચશ્માથી દેશને જોવો પણ જરૂરી છે. ગાંધીજી કોમવાદના વિરોધી હતા અને આ સરકાર કોમવાદ ફેલાવવા જઇ રહી છે.
ભાજપની વોટબેંકની રાજનીતિઃ શિવસેના
શિવસેનાએ બિલનો વિરોધ કરતાં કહ્યું કે, મોદી સરકાર હિંદુ ઘૂસણખોરોને દેશમાં સ્વીકારીને દેશમાં સાંપ્રદાયિક સંઘર્ષ વધારશે. કેન્દ્ર સરકાર પડદા પાછળ હિંદુ અને મુસ્લિમોમાં ભાગલા પડાવી રહી છે. બિલના બહાને સરકાર વોટબેંકનું રાજકારણ રમે છે. તેણે ઘૂસણખોરોને મતાધિકાર આપવાનો વિરોધ કર્યો હતો.
વિપક્ષોની પાકિસ્તાનની ભાષાઃ મોદી
નાગરિકતા સુધારા બિલને રાજ્યસભામાં રજૂ કરાયું તે પહેલાં વડા પ્રધાન મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે તમામ સાસંદોને બિલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો. લોકસભામાં પસાર કરાયેલું બિલ દેશના હિતમાં છે અને વર્ષોથી યાતનાઓ ભોગવી રહેલા શરણાર્થીઓને તેનાથી લાભ થશે. તેવું તેમણે કહ્યું હતું.
બાંગ્લાદેશની સરહદે આવેલા પૂર્વોત્તર રાજ્યો અને ખાસ કરીને આસામ, ત્રિપુરા આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ રાજ્યના નાગરિકોની એવી દલીલ છે કે જો આ બિલને પસાર કરાશે તો બાંગ્લાદેશથી જે મોટી સંખ્યામાં હિંદુઓ આસામ અને આસપાસના રાજ્યોમાં આવ્યા છે તેમને ભારતની નાગરિકતા મળી જશે. આ રાજ્યોમાં પહેલેથી જ વસતીવધારો છે તેમાં વધુ વધારો થશે. અહીં જે મૂળ નિવાસીઓ છે તેમના અધિકારો છીનવાશે.
નાગરિકતા કાયદાનો અમલ કરવા ૬ રાજ્યોનો ઇનકાર
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, કેરળ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢે નાગરિતા સુધારા બિલનો અમલ કરવા ઇનકાર કર્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે આના સંકેત આપ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે લોકોમાં કોઈ ડર ફેલાવાશે નહીં. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને તેનો અમલ કરા ફરજ પાડી શકે નહીં. કમલનાથે કહ્યું હતું કે પક્ષનું મોવડીમંડળ આ મુદ્દે જે નિર્ણય લેશે તેનું અમે પાલન કરીશું.
પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહની ઓફિસે આ કાયદાનો રાજ્યમાં અમલ નહીં કરવાની જાહેરાત કરી હતી. કેરળના મુખ્ય પ્રધાન વિજયન પિનારાઈએ કાયદાને ગેરબંધારણીય અને ધર્મને આધારે લોકોના ભાગલા પડાવનાર ગણાવ્યો હતો.
ગૃહ મંત્રાલયનાં ટોચનાં અધિકારીએ જણાવ્યું નાગરિકતા કાયદાનો અમલ કરવાનો રાજ્યો ઈનકાર કરી શકે નહીં. કારણ કે આ કાયદાને બંધારણનાં ૭મા પરિશિષ્ટ મુજબ યુનિયન લિસ્ટ હેઠળ પસાર કરવામાં આવ્યો છે.
આસામમાં ભાજપ અને એજીપીમાંથી સંખ્યાબંધ રાજીનામા
નાગિરકતા સુધારા કાયદાના વિરોધમાં આસામમાં એક તરફ દેખાવો શરૂ થયાં હતાં તો આસામમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને આસામ ગણપરિષદના સંખ્યાબંધ હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધાં હતાં. તેમનો આરોપ હતો કે, આરામ સરકાર નવા કાયદા સામે જનતામાં ભભૂકી રહેલા રોષને પારખવામાં નિષ્ફળ ગઈ છે. આસામ સરકાર દ્વારા સંચાલિત આસા પેટ્રોકેમિકલ્સ લિમિટેડના અધ્યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા જગદીશ ભૂયાને તેમના હોદ્દા અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકતાના સુધારા કાયદો આસામી લોકોની વિરુદ્ધ હોવાથી મેં ભાજપ અને સરકારમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. હવે હું કાયદા વિરોધી આંદોલનમાં ભાગ લઈશ.
આસામમાં હિંસાની આગ ભડકી
નાગરિક્તા સુધારા બિલ (સીએબી) લોકસભા અને રાજ્યસભામાં પસાર થવા સાથે ૧૨મી ડિસેમ્બરે પૂર્વોત્તરના રાજ્યો ખાસ કરીને આસામમાં દેખાવોએ ભયાનક સ્વરૂપ પકડ્યું હતું અને હિંસામાં ૩નાં મોત નીપજ્યાં હતા. ગુવાહાટીમાં દેખાવોને ધ્યાનમાં લેતાં કર્ફ્યુ લદાયો હતો, પરંતુ હજારો લોકો કર્ફ્યુ તોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુવાહાટી પછી શિલોંગમાં પણ કર્ફ્યુ લદાયો હતો તેમજ ૪૮ ક્લાક માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. દેખાવોના પગલે ગુવાહાટી એરપોર્ટ જતી બધી જ ફ્લાઈટ અને પૂર્વોત્તર જતી બધી જ ટ્રેનો રદ કરી દેવાઈ હતી.
પોલીસે લાલુંગગાંવમાં દેખાવો કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે દેખાવકારોએ પોલીસ જવાનો પર પથ્થરમારો કર્યો હતો. ગુવાહાટી, દિબ્રુગઢ, જોરહાટ અને તિનસુકિયામાં સૈન્યના જવાનોએ આ બિલ પસાર થયા પછી ફ્લેગમાર્ચ કરી હતી. આસામ ઉપરાંત ત્રિપુરામાં સૈન્ય ગોઠવાયું હતું. ગુવાહાટીમાં દેખાવો ડામવામાં નિષ્ફળ કમિશનર દીપક કુમારને હટાવી દેવાયા છે તેમના સ્થાને મુન્ના પ્રસાદને ચાર્જ સોંપાયો હતો.
બીજીબાજુ આસામમાં સ્થિતિ થાળે પાડવા માટે કેન્દ્ર સરકારે તેના સૌથી વિશ્વસનીય આસામ કેડરના આઈપીએસ અિધકારી જીપી સિંહને આસામ મોકલ્યા છે. દેખાવાકરોએ આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય પ્રધાન રામેશ્વર તેલીના ઘરોને નિશાન બનાવ્યા હતા. ઉપરાંત ભાજપ અને આસામ ગણ પરિષદના નેતાઓ તેમજ આરએસએસના કાર્યલાય પર હુમલો કર્યો હતો. આ દેખાવોના કારણે કામાખ્યા-ગુવાહાટીમાં અનેક પ્રવાસીઓ ફસાયા હતા. નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરતાં નાગાલેન્ડમાં નાગા વિદ્યાર્થી સંઘે ૧૪મી ડિસેમ્બરે ૬ કલાકના બંધનું એલાન આપતાં શાળા, કોલેજો, બજારો, વ્યાવસાયિક સંસ્થાનો બંધ રહ્યાં હતાં. સડકો પરથી વાહનો પણ નદારત રહેતાં બંધ જડબેસલાક રહ્યો હતો. જોકે દેખાવકારોએ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ, મીડિયા કર્મીઓ અને લગ્નોમાં હાજરી આપવા જઇ રહેલા લોકોને બંધમાંથી મુક્તિ આપી હતી.
બંગાળમાં રેલી, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિંસા
નાગરિકતા સુધારા કાયદા મુદ્દે પૂર્વોત્તરના રાજ્યોથી શરૂ થયેલા હિંસક દેખાવો પશ્ચિમ બંગાળ થઈને રવિવારે રાજધાની દિલ્હીમાં પહોંચી ગયા હતા. દિલ્હીમાં કેટલાક દિવસથી ચાલતા દેખાવોએ રવિવારે હિંસક સ્વરૂપ પકડયું. દેખાવકારોએ સાઉથ દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ભારે તોડફોડ કરી હતી. ૩ બસો અને
કેટલીક મોટરસાઈકલોને સળગાવી દીધી. દરમિયાન પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં પણ હિંસક દેખાવો યથાવત્ રહ્યા હતા.
નાગરિકતા કાયદાનાં વિરોધ તેમજ દિલ્હીમાં જામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ પર રવિવારે પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારની આગ સોમવારે આખા દેશમાં ફેલાઈ હતી. દિલ્હીથી લખનઉ અને હૈદરાબાદ, મુંબઈ. ચેન્નઈ, વારાણસી, અલ્હાબાદ, જાદવપુર સુધી વિદ્યાર્થીઓ અને લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા જામિયા યુનિવર્સિટીમાં પોલીસ અત્યાચારનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. દેશભરમાં ૧૦ મોટી શિક્ષણ સંસ્થાઓએ પણ જામિયામાં પોલીસ અતિરેકનો વિરોધ કર્યો હતો. લખનઉમાં નદવા કોલેજ નજીક વિદ્યાર્થીઓનાં દેખાવો વખતે પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું. અલીગઢ યુનિવર્સિટીમાં પણ પોલીસ અને વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ એનઆરસી અને સુધારિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ કોલકાતામાં વિશાળ રેલીની આગેવાની કરી હતી. મમતાએ એવો આક્ષેપ કર્યો કે રાજ્યમાં હિંસા ભડકાવવા માટે ભાજપ દ્વારા કેટલાક લોકોને પૈસા આપવામાં આવી રહ્યાં છે. બેનર્જીએ કહ્યું કે, જ્યાં સુધી હું જીવિત છું ત્યા સુધી સિટિઝનશિપ સુધારા કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો અમલ નહીં થવા દઉં.
 ઉત્તર પ્રદેશના પોલીસ વડા ઓ. પી. સિંહે કહ્યું હતું કે, અલીગઢ યુનિ.નાં વિદ્યાર્થીઓ દ્વારા પણ હિંસક દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં ૨૦ વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. પોલીસ વડાએ કહ્યું કે, પોલીસ દ્વારા અત્યાચારનો કોઈ રિપોર્ટ તેમને મળ્યો નથી. સોમવારે અલીગઢ મુસ્લિમ યુનિ.ને ખાલી કરાવાઈ હતી. યુનિ.ને ૫ જાન્યુઆરી સુધી બંધ કરાઈ છે.
બીજી તરફ વડા પ્રધાન મોદીએ દેશના નાગરિકોને ટ્વિટર દ્વારા ખાતરી આપી હતી કે, આ કાયદાથી દેશના કોઈપણ નાગરિકે ડરવાની જરૂર નથી. આ કાયદો દેશ બહાર જે લોકોએ વર્ષોથી યાતનાઓ ભોગવી છે અને ભારતમાં આશરો લીધો છે તેવા લોકો માટે છે. મોદીએ લોકોને દેશના વિકાસ માટે કામ કરવા અપીલ કરી હતી. હાલના સમયનો તકાદો છે કે આપણે સૌ સાથે મળીને દેશના વિકાસ માટે કામ કરીએ. મહિલાઓનાં સશક્તિકરણ માટે કામ કરીએ. ગરીબો, સમાજના છેવાડાના લોકો અને તરછોડાયેલા વર્ગના લોકો માટે કામ કરીએ. આપણે હિત ધરાવતા લોકો દ્વારા અશાંતિ સર્જીને લોકો વચ્ચે ભાગલા પડવા દઈએ નહીં. આ કાયદો ભાઈચારો દર્શાવે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ આ સ્થિતિ સામે લાલ આંખ કરતા જણાવ્યું હતું કે, આ મુદ્દે સુનાવણી કરવા માટે પહેલાં સ્થિતિ સામાન્ય કરવી પડશે. વિદ્યાર્થીઓ શાંતિ નહીં જાળવે તો સુનાવણી પણ નહીં કરવામાં આવે.
જામિયા યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને બદનામ ન કરો
નાગરિકતા કાયદાનાં વિરોધમાં રવિવારે જામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ કરેલા દેખાવોએ હિંસક વળાંક લીધો હતો. પોલીસે કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થીઓને આડેધડ માર્યા હતા અને અત્યાચાર ગુજાર્યો હતો. આવો અત્યાચાર સ્વીકાર્ય નથી. કુલપતિ નજમા અખ્તરે સોમવારે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, પોલીસે અમારી મંજૂરી લીધા વિના યુનિવર્સિટીમાં ઘૂસીને તોડફોડ કરી હતી. લાઇબ્રેરીમાં વાંચતા વિદ્યાર્થીઓને માર્યા હતા.
વિદ્યાર્થીઓને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી
નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં જામિયા મિલિયા યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હિંસક દેખાવો મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને હિંસા આચરવાનો કોઈ અધિકાર નથી. દેખાવો, હિંસા અને સરકારી સંપત્તિને નુકસાન કરવામાં આવશે તો અમે કાલે સુનાવણી કરીશું નહીં.
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાંઃ પ્રિયંકા
બીજી તરફ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં અને મહિલાઓની સુરક્ષા મુદ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ પર ધરણા પર ઊતર્યા હતાં.
શાહની હિંમત નથી કે ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં જાય
સોનિયા ગાંધીએ આક્રમક રીતે જણાવ્યું હતું કે, આસામ, ત્રિપુરા અને મેઘાલય સળગી રહ્યાં છે. પોલીસની ગોળીઓથી ફક્ત આસામમાં જ ચાર યુવાનો માર્યા ગયા છે. દિલ્હીથી પશ્ચિમ બંગાળ સુધી હિંસા અને વિરોધ ફેલાયો છે. ગૃહ પ્રધાન અમિત શાહની પોતાની હિંમત નથી કે તે ઉત્તર પૂર્વના પ્રાંતોનો પ્રવાસ કરી શકે. એટલે સુધી કે પહેલાં બાંગ્લાદેશના વિદેશમંત્રી અને પછી જાપાનના પ્રધાનમંત્રીએ ભારતનો પ્રવાસ રદ કરવો પડયો. સરકારના અત્યાચાર, ભારે બેરોજગારી, ફીમાં વધારો, અધિકારોનું હનન તથા બંધારણ તોડવાની ભાજપનું કાવતરાં સામે યુવાનો અને વિદ્યાર્થીઓ રસ્તા પર વિરોધ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter