નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આગામી બે મહિનામાં દરેક ભારતીયને હવે ચિપ ધરાવતા ઈ-પાસપોર્ટ ઈશ્યૂ કરાશે. આ ઈ-પાસપોર્ટમાં 41 નવા ફીચર્સ હશે. આ પાસપોર્ટને કારણે 140 દેશોમાં ઈમિગ્રેશન પ્રોસેસ ઝડપી થશે. ચિપ ધરાવતા આ પાસપોર્ટનું ટેકનિકલ પરીક્ષણ પૂરું કરવામાં આવ્યું છે. ઈ-પાસપોર્ટ ઈશ્યૂ કર્યા પછી પાસપોર્ટનું ડુપ્લિકેશન રોકી શકાશે. હાલ દેશનાં નાસિક પ્રેસમાં 70 લાખ ઈ-પાસપોર્ટની બૂકલેટ પ્રિન્ટ થઇ રહી છે. નાસિક પ્રેસને 4.5 કરોડ ચિપ ધરાવતા પાસપોર્ટ પ્રિન્ટ કરવા કહેવાયું છે. હાલ જુદા જુદા દેશનાં ચિપ રીડર્સ સાથે તેનો અભ્યાસ થઈ રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ જૂનો પાસપોર્ટ જમા કરાવી નવો ઈ-પાસપોર્ટ મેળવી શકશે.
ઈ–પાસપોર્ટમાં નવું શું છે?
ઈ-પાસપોર્ટમાં નવા 41 ફીચર્સ છે. તેની બૂકલેટ હાલનાં પાસપોર્ટ જેવી જ હશે પણ આ બૂકલેટ વચ્ચે કોઈ પણ એક પેજ પર રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફીકેશન ચિપ લગાવેલી હશે અને છેલ્લે નાનું ફોલ્ડેબલ એન્ટેના ગોઠવાયેલું હશે. ચિપમાં પાસપોર્ટ ધારકની બાયોમેટ્રિક્સની વિગતો તેમજ અન્ય પૂરક માહિતી હશે.