ભારતમાં પરમાણુ ઊર્જા ક્ષેત્રે નવા યુગનો આરંભ

સ્વદેશી કલ્પક્કમ રિએક્ટરે વીજળી પેદા કરવા માટે જરૂરી ક્ષમતા મેળવી

Wednesday 15th April 2026 06:29 EDT
 
 

નવી દિલ્હી: આજે મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધના પગલે આખી દુનિયામાં ઊર્જા કટોકટી સર્જાઇ છે ત્યારે ભારતીય અણુ વિજ્ઞાનીઓએ પરમાણુ ઊર્જા ક્ષેત્રે સ્વ-નિર્ભરતા તરફ આગેકૂચ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના કલ્પક્કમમાં લાગેલા ખાસ પ્રકારના રિએક્ટરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખુશખબર આપતાં કહ્યું હતું કે પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે (PFBR) ક્રિટિકાલિટી સ્ટેજ પાર કરી લીધું છે. તેનો અર્થ એવો છે કે હવે જાતે જ ન્યૂક્લિયર ચેઇન રિએક્શન ચાલી રહ્યું છે.
આ વાતને સરળ ભાષામાં સમજીએ તો, કોઇ પણ વાહનનું એન્જિન ચાલુ કરવા પ્રારંભે ચાવી આપવી પડે કે કીક મારવી પડે, પરંતુ એક વાર એન્જિન સ્ટાર્ટ થઈ જાય ત્યાર બાદ તે આપોઆપ સતત ચાલતું રહે છે. બિલકુલ એ રીતે ન્યૂક્લિયર રિએક્ટરમાં ઊર્જા બનાવવા માટે એક ચેઇન રિએક્શન શરૂ કરવું પડે છે. જ્યારે આ રિએક્શન બાહ્ય મદદ વગર આપમેળે કન્ટ્રોલમાં રહીને સતત ચાલતું રહે તે સ્ટેજને વિજ્ઞાનની ભાષામાં ક્રિટિકાલિટી કહે છે.
વડાપ્રધાને આ પ્રોજેક્ટમાં સંકળાયેલા વૈજ્ઞાનિકો, એન્જિનિયર્સને બિરદાવતા ‘એક્સ’ પર લખ્યું હતું કે, ભારત ત્રણ તબક્કાના નાગરિક પરમાણુ ઊર્જા કાર્યક્રમના બીજા તબક્કામાં આગળ વધી રહ્યો છે. કલ્પક્કમમાં 500 મેગાવોટ વીજળીની ક્ષમતાવાળા પીએફબીઆરે વીજળી બનાવવા માટે જરૂરી ગરમી પેદા કરવાની ક્ષમતા મેળવી છે. આ સિદ્ધિ સાથે ભારત દેશના અણુ કાર્યક્રમના જનક ડો. હોમી ભાભા દ્વારા કલ્પિત ત્રણ તબક્કાના પરમાણુ ઊર્જા કાર્યક્રમના બીજા તબક્કામાં પહોંચ્યો છે. ભારતની પરમાણુ યાત્રામાં આ ઐતિહાસિક પગલું છે, જે આગામી દાયકાઓમાં દેશમાં ઊર્જા ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન લાવશે. આ સાથે ભારત વર્તમાન આઠ ગીગાવોટની ઊર્જા ક્ષમતાને વધારી વર્ષ 2047માં 100 ગીગાવોટ સુધી લઈ જવા તરફ આગળ વધ્યું છે.
મેઇડ ઇન ઇંડિયા રિએક્ટરઃ ભારતીય વિજ્ઞાનીઓનું કૌશલ્ય
પીએફબીઆરનું ક્રિટિકાલિટી સ્ટેજ હાંસલ કરવું એ માત્ર ટેકનિકલ સિદ્ધિ નથી, પરંતુ ભારતની આત્મનિર્ભર વૈજ્ઞાનિક ક્ષમતા અને ઊર્જા સુરક્ષાના મોટા વિઝનનો સંકેત છે. અત્યાધુનિક સ્વદેશી રિએક્ટર ભારતીય વૈજ્ઞાનિકોની કુશળતાનું પ્રમાણ છે. કલ્પક્કમ રિએક્ટર દેશના વિશાળ થોરિયમ ભંડારમાં છુપાયેલી ઊર્જાનો ઉપયોગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના પ્રદેશમાંથી મળેલા થોરિયમના વિપુલ જથ્થાનો ઉપયોગ કરીને ભારતને અણુ ઊર્જા ક્ષેત્રે સ્વ-નિર્ભર બનાવવા ડો. હોમી ભાભાએ 1950માં ત્રણ તબક્કાનો પરમાણુ કાર્યક્રમ બનાવ્યો હતો.
યુરેનિયમના બદલે થોરિયમનો ઉપયોગ
ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરાયેલા આ રિએક્ટરનું વિશેષ મહત્ત્વ છે. ભારતનો પરમાણુ કાર્યક્રમ લાંબા સમયથી થોરિયમ પર આધારિત છે અને પીએફબીઆર આ રણનીતિની કરોડરજ્જુ છે. સામાન્ય રીતે દુનિયાભરમાં ન્યૂક્લિયર રિએક્ટર ચલાવવા માટે યુરેનિયમની જરૂર પડે છે, જેનો ભારત પાસે પૂરતો જથ્થો ન હોવાથી બીજા દેશો પાસેથી ખરીદવું પડે છે. પરંતુ ભારત પાસે થોરિયમનો વિશાળ ખજાનો છે. પીએફબીઆર ભવિષ્યમાં થોરિયમનો ઉપયોગ કરીને વીજળી બનાવશે. આમ હવે ભારત ઊર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. આ રિએક્ટર સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ ભારત રશિયા પછી વ્યાવસાયિક ફાસ્ટ બ્રીડર રિએક્ટર બનાવનારો બીજો દેશ બની જશે.
ઉલ્લેખનીય છે કે ભારતે ચેન્નઇ નજીકના કલ્પક્કમમાં આ રિએક્ટર પર 2004માં કામ શરૂ કર્યું હતું. પ્રોજેક્ટ અમુક વર્ષોમાં પૂરો થવા અપેક્ષા હતી, પરંતુ ટેકનિકલ પડકારો, સુરક્ષા સંબંધી તકેદારીઓ, ઉપકરણોની જટિલતા અને વિલંબના લીધે તેને પૂરો થતાં 22 વર્ષ લાગ્યા છે. પરિણામે પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 3,492 કરોડથી વધી રૂ. 8,181 કરોડ સુધી પહોંચ્યો હોવાનો અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter