નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇંડિયા મુદ્દે લીધેલી એક મુલાકાત સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ થઇ છે. ગેટ્સે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને આ મુલાકાત લીધી હતી. બંને વચ્ચે યોજાયેલી આ બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)થી માંડીને ડિજિટલ પેમેન્ટ્સ સુધીના મુદ્દા પર વાતચીત થઈ હતી. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે ભારતમાં હવે બાળક જન્મે છે ત્યારે ‘આઇ’ (માતા) અને ‘એઆઇ’ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) બન્ને શબ્દો ઉચ્ચારે છે. ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાની સરકારની લખપતિ દીદી યોજનાથી માંડીને આરોગ્ય અને કૃષિ ક્ષેત્ર સુદ્ધમાં કરાયેલા પરિવર્તનોથી બિલ ગેટ્સને માહિતગાર કર્યા હતા.
ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની પ્રશંસા પણ કરી હતી અને વડાપ્રધાન મોદીને આ ક્રાંતિ માટે અભિનંદન પણ આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ બેઠક દરમિયાન કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર સતત વધી રહ્યું છે. સમગ્ર દેશ ડિજિટલ ક્રાંતિને અપનાવી ચૂક્યો છે. વડાપ્રધાને કહ્યું હતું કે ખેતીને વૈજ્ઞાનિક અને આધુનિક બનાવવાની જરૂર છે અને તેથી અમે ‘ડ્રોન દીદી’ યોજના શરૂ કરી છે અને તે સફળતાપૂર્વક ચાલી પણ રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ વિવિધતામાં એકતા
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મેં ભારતના છ લાખ ગામના ખેડૂતો પાસેથી લોખંડના ટુકડા એકઠા કર્યા હતા. તેને ઓગાળ્યા હતા અને તેનો સ્ટેચ્યુમાં ઉપયોગ કર્યો હતો. અમે દરેક ગામની માટી લાવ્યા હતા તે માટીથી અમે એક યુનિટી વોલ બનાવી છે. ભારતના છ લાખ ગામોની માટી તેમાં છે. તેની પાછળ અમારી એકતાની ભાવના છે. અમે આટલા મોટા દેશની વિવિધતા વચ્ચે એકતા કઇ રીતે સાધી છે તેનું નિર્માણ દર્શાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે.
વોકલ ફોર લોકલ ગિફ્ટ હેમ્પર
વાર્તાલાપ પછી બન્ને મહાનુભાવોએ એકમેકને ગિફ્ટ હેમ્પર આપ્યા હતા. બિલ ગેટ્સે મોદીને ઉપહારમાં પુસ્તકોની ભેટ આપી હતી. તો મોદીએ ગેટ્સને વોકલ ફોર લોકલ ગિફ્ટ હેમ્પરથી નવાજ્યા હતા. તેમાં તામિલનાડુની ટેરાકોટા મૂર્તિ, કાશ્મીરની પશ્મિના શાલ, કાશ્મીર કેસર, દાર્જિલિંગની નિલગીરી ચા ઉપરાંત તામિલનાડુના મોતીનો સમાવેશ થતો હતો. મોદીએ કહ્યું હતું કે ‘મોતી તામિલનાડુના તુતુકુડી ખાતે તૈયાર થયા છે. તુતુકોરિન પર્લસિટી તરીકે જાણીતું છે. માછીમારો મોતી ઉદ્યોગમાં મોટું કામ કરે છે. એક વાર તુતુકોરિન ગયો હતો ત્યાંથી આ મોતી લાવ્યો હતો. મેં તે સમયે જ વિચાર્યું હતું કે તમને મોતી બતાવીશ ને તમારા માટે મોતી લઈ આવીશ.’