નવી દિલ્હીઃ છઠ્ઠી ઓક્ટોબરના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૬૭૨૪૩૮૦, કુલ મૃતકાંક ૧૦૪૦૩૨ અને રિકવર થયેલા લોકોની સંખ્યા ૫૭૦૩૬૦૭ નોંધાઈ હતી. ભારતમાં જોકે રિકવરી રેટ વધીને ૮૪.૩૪ ટકા નોંધાયો હતો જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૫૫ ટકા નોંધાયો હતો. ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ કોરોના સંક્રમિત થયાના અહેવાલ ૩૦મી સપ્ટેમ્બરે હતા. ૭૧ વર્ષીય નાયડુનો રૂટિન કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેમાં તેઓ પોઝિટિવ હોવાનું જણાયું હતું. તેમને કોઇ લક્ષણો નથી અને તેમની તબિયત પણ સારી છે. આ ઉપરાંત ભાજપી નેતા અનુપમ હજારા પણ કોરોના સંક્રમિત થયાં હોવાથી સારવાર હેઠળ છે.