ભારતમાં ભયાવહ સ્થિતિઃ મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા અંકુશ

Wednesday 14th April 2021 04:26 EDT
 
 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક રીતે વકરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં મંગળવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧,૬૧,૭૩૬ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ દેશમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને ૧૨,૬૪,૬૯૮ થઈ ગયો છે. બીજી તરફ ૨૪ કલાકમાં ૮૭૯ લોકોનાં મોત થવાના કારણે પણ સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.
મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં સંક્રમિતોના સાજા થવાનો દર ૯૦ ટકાની નીચે પહોંચી ગયો છે. હાલમાં દેશમાં ૧૨ લાખથી વધારે લોકો સારવાર હેઠળ છે. દેશમાં રિકવરી રેટ ઘટીને ૮૯.૮૬ ટકા થઈ ગયો છે.
સૌથી મોટી અને ગંભીર બાબત એ છે કે, હાલમાં દુનિયામાં રોજ નવા સંક્રમણના કેસમાં ભારત ટોચના સ્થાને આવી ગયો છે. અમેરિકા, તુર્કી, બ્રાઝિલ અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ દૈનિક કેસ ૫૦ હજારથી નીચે છે જ્યારે ભારતમાં આ આંકડો પોણા બે લાખ સુધી પહોંચવા આવ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૬૦ હજારથી વધુ જ્યારે દિલ્હીમાં ૧૩ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ મધ્ય પ્રદેશના ભોપાલ સહિત વિવિધ શહેરોમાં ૧૯મી સુધી લોકડાઉન એટલે કે કોરોના કરફ્યૂ લાગુ કરાયો છે.
મહારાષ્ટ્રમાં આકરા નિયંત્રણ લાગુ
મહારાષ્ટ્રમાં બુધવારે રાત્રે ૮ વાગ્યાથી પહેલી મે સવારે ૭ વાગ્યા સુધી લોકડાઉન જેવા આકરા નિયંત્રણો લાગુ કરાયા છે. તેને બ્રેક ધ ચેઇન અભિયાન નામ અપાયું છે. સમગ્ર રાજ્યમાં કલમ-૧૪૪ લાગૂ કરાઇ છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે ત્યારે તેને અંકૂશમાં લેવા કડક પગલા ભરવા પડશે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાત્રે જાહેર જનતાજોગ સંબોધનમાં રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારે પેનિક કે અફડાતફડી ન સર્જાય તે માટે ‘લોકડાઉન’ શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો. 'બ્રેક ધ ચેઇન' અભિયાન અંતર્ગત મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ અટકાવાઇ છે. બિનજરૂરી અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સમગ્ર રાજ્યમાં કલમ-૧૪૪ લાગૂ રહેશે. કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. અલબત સ્થાનિક અને અન્ય બસોની સેવા ચાલુ રહેશે. ઓટો-ટેક્સી સેવા પણ ચાલુ રહેશે. બેન્કને લગતા કામકાજ ચાલુ રહેશે.
રાંચીમાં સ્મશાનમાં જગ્યા ઓછી પડે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઝારખંડમાં કોરોનાની સ્થિતિ વણસતી જાય છે. તેમાં પણ રાંચીમાં રવિવારે ૬૦થી વધારે લોકોનાં મોત થયા હતા. તેમાં કેટલા લોકોના કોરોનાના કારણે મોત થયા હતા તેની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. કોરોનાથી થતાં મોત વચ્ચે એકાએક મૃતદેહોની સંખ્યા વધી જતાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા ઓછી પડી હતી. સૂત્રોના મતે કેટલાક સ્મશાનોમાં જગ્યાની અછતને પગલે વાહનોના પાર્કિંગમાં અને સ્મશાન પાસે આવેલા રસ્તા ઉપર લાકડાં ગોઠવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
છ મહિના બાદ એક દિવસમાં ૯૦૦નાં મોત
સોમવારે દેશમાં ૯૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા. સોમવારે દેશમાં ૯૦૪ લોકોનાં મોત થયા હતા. સૂત્રોના મતે દેશમાં છ મહિના બાદ મોતનો આંકડો આટલો મોટો આવ્યો છે. આ પહેલાં ૧૭ ઓક્ટોબરે દેશમાં સૌથી વધુ ૧૦૩૨ લોકોનાં મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કારણે ૧,૭૦,૧૭૯ લોકોનાં મોત થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter