ભારતમાં મજબૂત વૃદ્ધિની આશાઃ વૈશ્વિક સંસ્થાનોએ ગ્રોથનો અંદાજ વધાર્યો

Sunday 04th October 2026 12:37 EDT
 
 

નવી દિલ્હીઃ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (S&P), ફિચ, એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી) સહિતની ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાનોએ ભારતના 2026-27ના જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને 7 ટકા આસપાસ કર્યો છે. મિડલ ઇસ્ટ યુદ્ધ છતાં જૂન ક્વાર્ટરના મજબૂત ગ્રોથ અને સ્થાનિક મજબૂત માંગને પગલે તેમણે અંદાજ વધાર્યા છે. એસએન્ડપી અને ફિચ રેટિંગ્સે કહ્યું હતું કે ફુગાવાનું દબાણ વધાથી આરબીઆઈ વ્યાજના દરમાં ચાલુ વર્ષે ઓછામાં ઓછો 0.25 ટકાનો વધારો કરી શકે છે. એસએન્ડપીએ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 6.6 ટકાથી વધારીને 7 ટકા કરી દીધો છે. તેણે કહ્યું કે દેશમાં આર્થિક પ્રવૃત્તિ મજબૂત છે. જોકે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝમાં મોમેન્ટમ હવેના મહિનાઓમાં ધીમું પડે તેવી શક્યતા છે. જીએસટીમાં ઘટાડાનો ફાયદો અને આવકવેરામાં ઘટાડાના લાભની અસર હવે ધીમી પડી છે. આગામી સમયમાં વ્યાજના દર વધશે તેવી શક્યતા છે. ફુગાવાનો દર ચાલુ વર્ષે સરેરાશ 5.1 ટકા રહેશે તેવો અંદાજ છે.
ફિચ રેટિંગ્સે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 6.4 ટકાથી વધારીને 6.9 ટકા કરી દીધો છે. ફિચ રેટિંગ્સે કહ્યું કે જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા ગ્રોથ રહેતા આગામી સમયમાં પણ મજબૂત ગ્રોથનો પાયો નંખાયો છે. વળી, આ ગ્રોથ દર્શાવે છે કે ઈરાન યુદ્ધની અર્થતંત્ર પર ખાસ અસર થઈ નથી. તેણે કહ્યું કે આગામી સમયમાં મોમેન્ટમ ધીમું પડશે અને આરબીઆઈ ઓક્ટોબરની પોલિસી મીટિંગમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરશે તેવી શક્યતા છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 5.5 ટકા થશે તેમ પણ તેણે કહ્યું છે.
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)એ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 0.8 ટકા વધારીને 7.1 ટકા કરી દીધો છે અને કહ્યું છે કે સ્થાનિક માંગ મજબૂત છે અને સરકારની નીતિઓ ગ્રોથલક્ષી છે, જેને કારણે એનર્જી પ્રાઈસમાં વધારાની અસર ઓછી જોવા મળી છે. તેણે કહ્યું કે મજબૂત મોમેન્ટમ છતાં આગામી છ મહિનામાં લોકોની ખરીદશક્તિ ઘટશે જે ગ્રોથને ધીમો કરશે. 2027-28માં ગ્રોથ 6.5 ટકા રહેશે તેવી ધારણા છે. ઓઈસીડીનો અંદાજ તમામ વૈશ્વિક એજન્સીઓમાં સૌથી વધારે છે.
મનિલા સ્થિત એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ચાલુ વર્ષ માટે 6.6 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે અને કહ્યું છે કે ઈરાન યુદ્ધને કારણે સપ્લાય સાઈડ ડિસરપ્શન છતાં ભારતીય અર્થતંત્ર પર તેની ખાસ અસર પડી નથી. રોકાણની માંગ મજબૂત છે, કન્ઝક્શન વધ્યું છે, અને મેન્યુફેક્ચરિંગ તથા સર્વિસીઝમાં પણ મજબૂત ગ્રોથ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter