નવી દિલ્હીઃ કેરળના કિનારે આઠમીએ નૈઋત્યના ચોમાસાના શ્રીગણેશ થયા હતા. સામાન્ય રીતે ૧ જૂનના રોજ કેરળના કિનારે ચોમાસું બેસે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષ્યદ્વીપ ઉપર ચક્રવાતી માહોલ સર્જાયેલો છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ રહી છે. મુંબઈમાં દસમીએ જ વરસાદે મહેર કરી હતી.
રાજસ્થાનના ચુરુમાં સોમવારે ૫૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. સોમવારે ૪૮ ડિગ્રી તાપામાન નોંધાયું હતું જે અત્યાર સુધીનું સર્વાધિક છે. ૯ જૂન ૨૦૧૪માં દિલ્હીમાં ૪૭.૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સ્કાઇમેટના જણાવ્યા મુજબ રાજધાનીનો આ અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.
ઉત્તરમાં આંધી-તોફાન
ચોમાસાના આગમન પહેલાં સાતમીએ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના મેનપુરી, એટા અને કાસગંજમાં વાવાઝોડાને લીધે વૃક્ષો અને વીજળી થાંભલા પડી ગયાં હતાં. અનેક ઘરોની દીવાલો ધસી પડી હતી. તેનાથી ૨૬ લોકો મૃત્યુ પામ્યા હતા. ૫૭ લોકોને ઈજા થઈ. આવી જ રીતે ઝડપી પવન કર્ણાટક અને કેરળમાં પણ ફૂંકાયો સાથે જ ભારે વરસાદ પણ થયો હતો.