નવી દિલ્હીઃ બે મિનિટમાં તૈયાર થનારી મેગી હવે સમગ્ર દેશના રસોડામાંથી ગાયબ થઈ ગઈ છે. ભારતના ફૂડ સેફટી નિયામકે મેગી ઇન્સ્ટન્ટ નૂડલ્સની બધી ૯ વેરાયટીના ઉત્પાદન અને વેચાણ સામે પ્રતિબંધ લાદી દીધો છે. જોકે, મેગી નૂડલ્સ બનાવનારી કંપની નેસ્લેના સીઇઓ પોલ બલ્કે દાવો કર્યો છે કે અમારી પ્રોડક્ટ સંપૂર્ણ પણે સુરક્ષિત છે, તેમ છતાં અમે તેને બજારમાંથી પાછી ખેંચી રહ્યા છીએ પરંતૂ ટૂંક સમયમાં જ અમે પાછા ફરીશું. મેગીમાં માત્રા કરતા વધુ સીસું મળવાથી વિવાદ શરૂ થયો હતો. દરમિયાનમાં રિલાયન્સ રિટેલે તેના તમામ સ્ટોર્સમાંથી તમામ બ્રાન્ડના ઇન્સ્ટન્ટ નૂડલ્સ વેચવાનું કામચલાઉ ધોરણે બંધ કર્યું છે.
સરકારે કહ્યું કે આ ત્રણ વસ્તુમાં મેગી ગરબડ કરતી હતી
૧. મેગીમાં લેડ એટલે સીસુ નિર્ધારિત મર્યાદાથી વધુ છે. જે આરોગ્ય માટે હાનિકારાક છે.
૨. કંપની ‘નો એડેડ એમએસજી’નું લેબલ લગાવીને ગેરમાર્ગે દોરી રહી છે.
૩. મેગી ઓટ્સ મસાલા નૂડલ્સ વિથ ટેસ્ટમેકર એપ્રૂવલ વગર વેચાઈ રહ્યા હતા.
મેગીના પાંચ રાજ્યોમાં પ્લાન્ટ, બે રાજ્યોમાં બીજા પાસેથી ખરીદી
• પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, કર્ણાટક અને હિમાચલમાં નેસ્લેના મેગી ઉત્પાદનના પ્લાન્ટ
• પ. બંગાળ અને દિલ્હીમાં નેસ્લે બીજી કંપની પાસે કોન્ટ્રાક્ટ પર કામ કરાવે છે.
• પં. બંગાળમાંથી લીધેલું સેમ્પલ યોગ્ય હતું. મુંબઈ, ગોવા, કેરળમાં પણ ગરબડ મળી નહોતી.
• સિંગાપોર ભારતમાંથી આયાત પર પ્રતિબંધ મૂક્યો, બ્રિટન પણ મેગીની તપાસ કરશે.