નવી દિલ્હીઃ દેશમાં કોરોનાગ્રસ્તની સંખ્યા મંગળવારે ૨૩.૨ લાખને પાર થઈ ગઈ છે. કોરોનાથી મૃતકાંક ૪૬૧૮૫ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૬૩૫૮૧૨ થઈ છે. સોમવારે દર્દીઓની સંખ્યા બાવન હજાર થઈ હતી જે ૬ દિવસ પછી ૫૫ હજારથી ઓછી હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારે એક જ દિવસમાં દેશમાં ૧ હજારથી વધુ મોત થયાં હતાં જે કોરોનાથી દુનિયામાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં થયેલા સૌથી વધુ મોત છે.
મહારાષ્ટ્રમાં સોમવારે ૯૧૮૧ અને આંધ્રમાં ૭,૬૬૫ નવા દર્દી મળ્યાં હતા. બંને રાજ્યમાં ૫ દિવસ પછી પ્રથમવાર ૧૦,૦૦૦થી ઓછા દર્દી નોંધાયા હતા. તમિલનાડુમાં ૫,૯૧૪ દર્દી નોંધાવાની સાથે કુલ દર્દીનો આંક ૩ લાખને પાર થઈ ગયો છે. દરમિયાન
વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલાનું કહેવું છે કે, કોરોનાની રસી બજારમાં આવી જાય તો પણ દરેક ભારતીય સુધી તે પહોંચતાં ૨ વર્ષ લાગશે. તેથી કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું, બે હાથનું અંતર રાખવું - વગેરે જેવી ટેવો સાથે જીવવું પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી નિર્દેશ આપ્યો હતો કે તે પોતાના ક્ષેત્રનાં તમામ કરિયાણાના દુકાનદારો, તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ, શાકભાજી-ફળ વેચનારાઓ અને અન્ય લારી-ગલ્લાવાળાનો કોરોના ટેસ્ટ કરે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને બ્રેઇન સર્જરી
કોરોનાગ્રસ્ત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (ઉં ૮૪)એ પોતે સંક્રમિત હોવાની અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. મુખર્જીની તબિયત લથડતાં તેમની બ્રેઇન સર્જરી કરવાઈ હતી. સર્જરી સફળ રહી છે અને તેઓ હાલમાં વેન્ટિલેટર પર છે. આર્મી આર એન્ડ આર હોસ્પિટલમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેમની મુલાકાત પણ લીધી હતી.
કવિ રાહત ઈન્દોરીનું નિધન
જાણીતા બોલિવૂડ ગીતકાર, કવિ અને શાયર રાહત ઇન્દોરી (ઉં. ૭૦)એ મંગળવારે ઇન્દોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રાહત ઇન્દોરીએ પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી ટ્વિટ કરીને ચાહકોને આપી હતી.
વિજયવાડામાં કોવિડ કેર સેન્ટરમાં આગ, ૧૦નાં મોત
આંધ્ર પ્રદેશના વિજયવાડામાં કોરોના કેર સેન્ટરમાં ફેરવાયેલી હોટેલ સ્વર્ણ પેલેસમાં રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ગૂંગળામણથી ૧૦ દર્દીનાં મોત થયાં હતાં. રમેશ હોસ્પિટલ મેનેજમેન્ટે આ હોટલ કોવિડ કેર સેન્ટર તરીકે ભાડેથી રાખી હતી. દુર્ઘટના સમયે ત્યાં ૪૦ દર્દી દાખલ હતાં અને મેડિકલ સ્ટાફના ૧૦ લોકો હતાં. શોર્ટ સર્કિટથી લાગેલી આગ બુઝાવવા દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ ૨૨ દર્દીને સલામત બહાર કાઢ્યા અને અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો.