ભારતમાં રૂ. ૧૦ કરોડનું રોકાણ કરો અને પરમેનન્ટ રેસિડેન્સી મેળવો

Thursday 01st September 2016 05:10 EDT
 
 

નવી દિલ્હીઃ તમે ભારતમાં ૧૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને સ્થાયી નિવાસી તરીકે દરજ્જો મેળવી શકો છો. આ લોકોને વારંવાર વિઝા લેવાની જરૂર નહીં પડે. જોકે વિદેશી રોકાણકારોને આ દરજ્જો મેળવવા માટે તેમણે ૧૮ મહિનામાં ઓછામાં ઓછું ૧૦ કરોડ રૂપિયા કે ૩૬ મહિનામાં ૨૫ કરોડ રૂપિયાનું ભારતમાં મૂડીરોકાણ કરવું પડશે. સાથોસાથ તેણે દર વર્ષે ૨૦ ભારતીયોને નોકરી પણ આપવી પડશે. નિવાસી દરજ્જો મેળવનાર વિદેશી રોકાણકાર ભારતમાં એક રહેણાક પ્રોપર્ટી પણ ખરીદી શકશે. જોકે આ યોજનાનો લાભ ચીન કે પાકિસ્તાનના નાગરિકોને મળશે નહીં.
આ ઉપરાંત રોકાણકારના પરિવારના સભ્યો, જીવનસાથી - બાળકોને નોકરી તથા અન્ય સવલતો પણ મળશે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે યોજાયેલી બેઠકમાં વધુ વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે એક નવી નીતિને મંજૂરી આપી છે. તેમાં વિદેશી રોકાણકારો માટેના લાભ સામેલ કરવામાં આવ્યા છે. નિર્ણય બાદ ભારત પણ તે વિકસિત દેશોમાં સામેલ થઈ જશે જ્યાં વિદેશી રોકાણકારોને સ્થાયી નિવાસીઓ દરજ્જો મળે છે.

ઇંડિયન રેસિડેન્સી મેળવવા માટેની શરતો

• ૧૮ મહિનામાં ઓછામાં ઓછા રૂ. ૧૦ કરોડ કે ત્રણ વર્ષમાં રૂ. ૨૫ કરોડનું રોકાણ કરવું પડશે.
• દર વર્ષે ઓછામાં ઓછા ૨૦ ભારતીયોને રોજગાર આપવો પડશે.

ક્યા લાભ થશે?

• વારંવાર વિઝા લેવાની જરૂર નહીં પડે. એક રહેણાક પ્રોપર્ટી ખરીદી શકશે.
• પરિવારના સભ્યોને રોજગાર અને અન્ય સવલતો મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter