ભારતમાં લોકડાઉનને પ્રોત્સાહક પ્રતિસાદ

Wednesday 01st April 2020 05:07 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે દુનિયાના અનેક દેશોમાં લોકડાઉનના લીરા ઉડતા જોવા મળી રહ્યા છે ત્યારે ભારતમાં આ મામલે બહુમતી વર્ગનો પ્રતિભાવ પ્રોત્સાહક જોવા મળી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે દૂરંદેશી દાખવીને લીધેલા આગોતરા પગલાની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. દેશમાં ૨૩ માર્ચથી લાગુ થયેલા લોકડાઉન દરમિયાન જનજીવન લગભગ ઠપ્પ થઇ ગયું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં ભારતને આના સારા પરિણામ જોવા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકડાઉન માટે દેશવાસીઓની માફી માગી હતી. તેમનું કહેવું હતું કે કોરોનાએ આખી દુનિયાને મુશ્કેલીમાં મુકી છે ત્યારે લોકડાઉન સિવાય આરો નહોતો. જો આમ ન થયું હોત તો ચેપ ઝડપથી ફેલાઇ ગયો હોત.
જોકે આ સાથે સાથે જ ભારત સરકારે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં લોકડાઉન ૧૪ એપ્રિલ સુધી જ રહેશે, તેને લંબાવવાનો સરકારનો કોઇ ઇરાદો નથી. આજે દુનિયાભરમાં ભારત સરકારે કોરોના નાથવા લીધેલા શ્રેણીબદ્ધ પગલાંની પ્રશંસા થઇ રહી છે. અમેરિકામાં તો અખબારી માધ્યમોએ ટ્રમ્પ સરકારને કોરોનાનો રોગચાળો નાથવા ભારત જેવું લોકડાઉન લાગુ કરવા અનુરોધ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter