નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાએ માઝા મૂકી છે. ૨૯મીના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૧૯૩૯૬૬ અને મૃતકાંક ૯૬૮૫૪ થયો છે. જ્યારે દેશમાં રિકવર દર્દીઓની કુલ સંખ્યા ૫૧૪૫૫૩૪ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને ૨૭મીએ ચેતવણી આપી હતી કે, ભારતીયો કોરોના સામે હર્ડ ઈમ્યુનિટીથી હજુ ઘણા દૂર છે અને કોરોના સામે ઘણી સાવચેતી રાખવી પડશે.
તેમણે કહ્યું કે, ગંભીરતાપૂર્વક સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે ધાર્મિક સ્થળો પર પણ માસ્ક પહેરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને ૧.૫૮ ટકા અને રિકવરી રેટ વધીને ૮૨.૭૪ ટકા નોંધાયો હતો જેને કેન્દ્રિય આરોગ્ય વિભાગે સારી નિશાની ગણાવી હતી.
ગ્લોબલ સપ્લાય ચેઇન પરની નિર્ભરતા
ડેન્માર્કના વડા પ્રધાન મેટે ફ્રેડેરિકસેન સાથેના વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કોરોનાએ કોઈ સિંગલ સોર્સ પર ગ્લોબલ સપ્લાય ચેઈન પરની વધારે પડતી નિર્ભરતાના જોખમને છતું કર્યું છે. મોદીએ આત્મનિર્ભર ભારત યોજના તથા કૃષિ, કરવેરા અને લેબર માર્કેટના વિવિધ સુધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મેટે સાથે વાત કરતા મોદીએ તેમને લગ્નની શુભેચ્છા પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે ૧૬મી જુલાઈએ મેટે ફિલ્મમેકર બો ટેન્બર્ગ સાથે લગ્ન કર્યાં હતાં.