નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાનો પ્રકોપ માઝા મૂકી રહ્યો છે. ૧૮મી ઓગસ્ટના રિપોર્ટ અનુસાર કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૭૫૨૭૬૫ અને મૃતકાંક ૫૨૮૫૩ સુધી પહોંચ્યો છે. જોકે ભારત માટે રાહતની વાત એ છે કે ભારતમાં દર્દીઓનો રિકવર રેટ સારો છે. દેશમાં કોરોનામાંથી રિકવર થયેલા લોકોનો કુલ આંક ૨૦૨૪૦૯૬ નોંધાયો હતો.
રવિવારે જાહેર થયેલા રિપોર્ટ અનુસાર સારવાર પછી ૫૭૫૮૪ દર્દીઓ સાજા થયા હતા. દેશમાં કુલ ૧૯.૧૯ લાખ લોકો સાજા થતાં રિકવરી રેટ વધીને ૭૨.૫૧ ટકા થયો હતો જ્યારે મૃત્યુનો રેટ ઘટીને ૧.૯૨ ટકા થયો હતો. પોઝિટિવિટી રેટ ઘટીને ૮.૮૪ ટકા થયો છે. કુલ મૃત્યુઆંકના સંદર્ભમાં ભારત આખા વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો પછી ચોથો દેશ બન્યો હતો.
દેશમાં સાત ઓગસ્ટથી લગભગ દરરોજ કોરોનાના ૬૦,૦૦૦થી વધુ કેસ નોંધાતા હતા. રવિવારે ૫૭,૦૦૦થી વધુ કેસ બહાર આવ્યા હતા.
ગૃહ પ્રધાન અમિત શાહ કોરોનામુક્ત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોરોનાથી મુક્ત થયાના ૧૫મી ઓગસ્ટે અહેવાલ હતા. જોકે ડોક્ટરોની સલાહ મુજબ તેઓ હજુ વધુ થોડા દિવસ હોમ આઇસોલેશનામં રહેશે. શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ ઇશ્વરનો આભાર માને છે. આ પરિસ્થિતિમાં જે લોકોએ તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવીને તેમના કુટુંબીજનોને સહાનુભૂતિ દર્શાવી તે બદલ સૌનો હ્રદયથી આભાર. હજુ વધુ થોડા દિવસ ડોક્ટરની સલાહ મુજબ આઇસોલેશનમાં રહીશ. મારી સારવાર કરનાર ડોક્ટર અને મેડિકલ સ્ટાફનો પણ હું આભાર માનું છું.
ક્રિકેટર અને રાજકારણી ચેતન ચૌહાણનું નિધન
વીતેલા જમાનાના જાણીતા ક્રિકેટર અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં હોમગાર્ડ પ્રધાન ચેતન ચૌહાણનું રવિવારે બપોરે ૪.૩૦ કલાકે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તબીબોએ જણાવ્યું હતું કે કાર્ડિયાક એસ્ટેટના કારણે ચૌહાણનું થયું હતું.
• રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારના મુંબઈ સ્થિતિ નિવાસે ૬ સુરક્ષાકર્મીઓ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા.
• બિહારમાં કોરોના બેકાબૂ બન્યો છે. સંક્રમણ વધવાથી રાજ્ય સરકારે લોકડાઉન ૬ સપ્ટેમ્બર સુધી લંબાવ્યું છે. રાજ્યમાં નાઇટ કરફ્યૂ પણ ચાલુ રહેશે. સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળ, બસ સેવા, સિનેમા હોલ, જિમ, પાર્ક અને મોલ બંધ રહેશે.
• મહારાષ્ટ્ર કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧,૧૧૧ કેસ બહાર આવ્યા હતા. મુંબઈ કરતાં હવે પૂણેમાં કેસ વધી રહ્યાં છે અને દિલ્હી પછી પૂણે બીજા નંબરે છે. મહારાષ્ટ્ર પોલીસમાં પણ કોરોનાના નવા ૯૩ કેસ બહાર આવ્યા છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને તેલંગણામાં કોરોના વકરી રહ્યો છે.