નવીદિલ્હીઃ દેશમાં હાલ સુધીમાં સફળ રહેલી ઈ-ટુરિસ્ટ વીઝા યોજનાને ઓસ્ટ્રિયા, ચેક ગણરાજ્ય અને દક્ષિણ આફ્રિકા સહિત ૩૭ દેશોના નાગરિકો માટે પણ ૨૭મી ફેબ્રુઆરીથી અમલી બનાવવા માટેનો નિર્ણય લેવાયો છે. ૨૭મી ફેબ્રુઆથી ૩૭ સહિત કુલ ૧૫૦ દેશોના નાગરિકો માટે હવે આ સુવિધા અમલી બનશે અને ૧૫૦ દેશોના નાગરિકોને ભારતમાં પગ મૂકતાંની સાથે જ વીઝા મળી જશે.
આલ્બાનિયા, બોસ્નિયા, હર્ઝેગોવિના, બોત્સવાના, બ્રુનેઈ, બલ્ગેરિયા, ડેન્માર્ક, ગ્રીસ, ઘાના અને એરિટેરિયા જેવા દેશોનો ૩૭ દેશોમાં સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા ઉપરાંતના આફ્રિકન ખંડના લાઇબેરિયા, સેનેગલ, સ્વાઝીલેન્ડ, ઝામ્બિયા અને ઝીમ્બાબ્વેના નાગરિકો પણ ભારતમાં પ્રવેશતા વીઝા મેળવી શકશે. અગાઉ ઈ-ટુરિસ્ટ વીઝા તરીકે ઓળખાતા ટુરિસ્ટ વીઝા ઓન અરાઈવલનો અમલ ૨૭ નવેમ્બર ૨૦૧૪થી શરૂ કરાયો હતો.

