ભારતમાં શાંતિને પલિતો ચાંપતું બંધનું એલાનઃ ૧૦થી વધુ રાજ્યોમાં હિંસા, ૧૦નાં મોત

Thursday 05th April 2018 01:45 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી એક્ટની જોગવાઈ હળવી બનાવવામાં દેશભરનાં દલિતોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન અનેક રાજ્યોમાં ટોળેટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને પથ્થરમારો, વાહનો તથા સરકારી મિલકતોને આગ લગાડવાની ઘટનાને પગલે ભારત બંધ હિંસક બન્યો હતો.
૧૦થી વધુ રાજ્યોમાં હિંસાની આગ ફેલાઈ હતી. મધ્ય પ્રદેશમાં ૬ અને ઉત્તર પ્રદેશમાં ૨ તથા રાજસ્થાન અને બિહારમાં ૧-૧ વ્યક્તિ સહિત કુલ ૧૦નાં મોત થયાં હતાં. મધ્ય પ્રદેશનાં મુરૈના અને ગ્વાલિયરમાં સ્થિતિ બેકાબૂ બનતાં કર્ફ્યૂ લાદવાની ફરજ પડી હતી. બિહારનાં વૈશાલીમાં ટોળાએ એમ્બ્યુલન્સ રોકતાં નવજાત બાળકનું મોત થયું હતું.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બે ગ્રૂપ સામસામે આવી જતાં ૩૦થી વધુ ઘવાયાં હતાં. પંજાબમાં બંધને કારણે સીબીએસઈની પરીક્ષા બંધ રખાઇ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં રસ્તા જામ કરાયા હતા અને ક્યાંક ટ્રેનો રોકાઈ હતી.
આરજેડી અને કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ બંધને ટેકો આપ્યો હતો. બીજી તરફ કુલ ૧૦૦થી વધુ ટ્રેન રોકવામાં આવી હતી. રેલ, રોડ અને ટ્રેનસેવાઓ ખોરવાઈ જવાનાં કારણે લોકો હાલાકીમાં મુકાયાં હતાં.
દલિત સંગઠનોની માગ
દલિત સંગઠનોની માગણી છે કે સુપ્રીમ કોર્ટે એસસી-એસટી કાયદામાં જે સુધારા કર્યા છે તે રદ કરીને કાયદો વધુ કડક બનાવવામાં આવે અને દલિતો પર અત્યાચાર કરતા કસૂરવારોને કડક સજાની જોગવાઈ કરાય.
મધ્ય પ્રદેશમાં કરફ્યૂ
મધ્ય પ્રદેશમાં મુરૈના, ગ્વાલિયરમાં સ્થિતિ બેકાબૂ બનતાં કરફ્યૂ લાદવો પડયો હતો. ગ્વાલિયરમાં ૨ અને મુરૈનામાં એકનું મોત થયું હતું. આગ્રા, સહારનપુર તેમજ વારાણસીમાં હિંસાની ઘટનાઓ બની હતી.
રાજસ્થાનના ખૈરથલમાં એકનું મોત
અલવરમાં ખૈરથલમાં હિંસા ભડકી હતી જેમાં એક દેખાવકારનું મોત થયું હતું. બાડમેરમાં દલિતો અને કરણી સેનાના કાર્યકરો સામસામે આવી ગયા હતા, જેમાં ૩૦ લોકો ઘવાયાં હતાં.
પંજાબમાં હાઈવે બ્લોક
પંજાબમાં કેટલીક જગાએ હાઇવે બ્લોક કરાતાં વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. પંજાબમાં સ્કૂલો, કોલેજો અને યુનિર્વિસટી બંધ કરાયાં હતાં અને સીબીએસઈની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ રદ કરાઈ હતી.
બિહારમાં ટ્રેનો રોકાઈ
બિહારમાં મધુબની, આરા, ભાગલપુર અને અરરિયામાં ટ્રેનો રોકાઇ હતી અને મોતીહારીમાં તોડફોડ કરાઈ હતી.
ઉત્તર પ્રદેશના મેરઠમાં ફાયરિંગ
મેરઠ, ગોરખપુર, મથુરા તથા આગરામાં ઠેર ઠેર તોફાન થયા હતા. મથુરામાં વાહનોમાં આગચંપી અને પથ્થરમારો કરાયો હતો.
ઓડિશામાં ટ્રેનવ્યવહાર ખોરવાયો
ઓડિશામાં દેખાવકારો દ્વારા ટ્રેનના પાટા પર બેસીને વિરોધ કરાયો હતો, જેને કારણે ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. અનેક ટ્રેનોને આગળનાં સ્ટેશનો પર રોકી હતી.
ઝારખંડમાં રસ્તા જામ
ઝારખંડમાં હજારો દેખાવકારોએ રસ્તા પર ઉતરી પડતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. પથ્થરમારો કરીને નુકસાન કરાયું હતું.
હરિયાણાના કૈન્થલમાં પોલીસ ફાયરિંગ
હરિયાણાનાં કૈન્થલમાં નેશનલ હાઇવે-૧ બંધ કરાયો હતો અને રોડવેઝની ઓફિસમાં તોડફોડ કરાઈ હતી. લોકોને વિખેરવા પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ૧૦ને ઈજા થઈ હતી. પથ્થરમારામાં ૫૦ પોલીસો ઘવાયા હતા.

ગુજરાતમાં પ૦થી વધુની અટકાયત

સોમવારે દલિત સમાજ દ્વારા અપાયેલા બંધના એલાન દરમિયાન રાજ્યમાં ઠેર ઠેર દેખાવો થયા હતા. અમદાવાદમાં દસ વિસ્તારોમાં આગચંપી સહિતના બનાવો બન્યા હતા. રાજ્યમાં ૫૦થી વધુ લોકોની અટકાયત થઈ હતી.
ઉત્તર ગુજરાતમાં આગચંપીઃ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા અને આગચંપી ટાયરો સળગાવાયાં હતાં. પાલનપુરમાં પ૦થી વધુ લોકોની અટકાયત થઇ. ગાંધીનગર શહેર, જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી.
મધ્ય ગુજરાતઃ દલિતોએ ખેડા-આણંદ જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આવેદન આપ્યાં હતાં. વડોદરામાં ટોળાએ જલગાંવથી કોલસો લઇને જતી ગુડ્ઝ ટ્રેન અને મુંબઇથી દિલ્હી જતી કોનરાજ ગુડ્ઝ ટ્રેનને અટકાવી દીધી હતી.
દક્ષિણ ગુજરાતઃ દક્ષિણ ગુજરાતમાં દલિતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સુરતમાં રેલી કાઢી આવેદન આપ્યાં હતાં. વલસાડ, નવસારી, વાપીમાં ચક્કાજામ કરાયો હતો. નેશનલ હાઈવે પર ટાયરો સળગાવી બ્લોક કરાયો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છઃ અમદાવાદ-રાજકોટ હાઈ-વેને જામ કરવા સાથે રાજકોટમાં બંધ પળાવવા માટે કાર્યકરોએ દેખાવો કર્યાં હતાં. ભુજમાં મામલતદારની કારમાં તોડફોડ કરી હતી. બોટાદમાં એસટી બસ પર પથ્થરમારો થયો હતો. ચોટીલામાં દુકાનોમાં તોડફોડ થઈ હતી. ભાવનગરમાં જિ.પંચાયત કેમ્પસમાં મહિલાઓએ થાળીનાદ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter