નવી દિલ્હીઃ દેશમાં જોરશોરથી કોરોના વેક્સિનેશન ચાલે છે ત્યારે દેશમાં નાના બાળકો માટેની કોરોના વેક્સિન ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે તેવું સીરમે ૩૧મી જાન્યુઆરીએ જાહેર કર્યું હતું. જોકે મંગળવારના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના કુલ આંક ૧૦૭૭૫૬૧૭ પહોંચ્યો હતો અને કુલ મૃતકાંક ૧૫૪૫૭૫ થયો હતો. કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા ૧૦૪૫૬૬૩૫ થઈ હતી.
આ મહામારી અંગેની નવી ગાઈડલાઈન રવિવારે કેન્દ્ર સરકારે જારી કરતાં દેશમાં સિનેમાહોલ અને થિયેટરને ૧૦૦ ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે ફિલ્મો પ્રદર્શિત કરવાની પરવાનગી આપી દીધી હતી. જોકે ઓડિટોરિયમની બહાર કોમન એરિયા અને વેઇટિંગ એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. મલ્ટિપ્લેક્સને ભીડ એકઠી થતી અટકાવવા માટે શો ટાઇમિંગ અલગ અલગ રાખવાની તાકીદ કરાઇ છે. થિએટરમાં ઇન્ટરવલ ટાઈમ લાંબો રાખવાનો રહેશે જેથી પ્રેક્ષકો વારાફરતી બહાર જઇ શકે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એસઓપી અનુસાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા સિનેમાહોલમાં ફિલ્મ પ્રદર્શિત કરી શકાશે નહીં. નવી ગાઈડલાઈનમાં સરકારે વિવિધ શાળાઓને પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે શરૂ કરવાની મંજૂરી આપતાં ૧૦ રાજ્યોમાં શાળાઓના પ્રારંભ થયો હતો. ગુજરાતમાં ધો.૯ અને ધો.૧૧, હરિયાણામાં ધો.૬થી ધો.૮, મહારાષ્ટ્રમાં ધો.પાંચથી ધો.૮, પંજાબમાં પ્રિપ્રાઇમરી - ધો.૧ અને ધો.૨, આંધ્રપ્રદેશમાં ધો.૧થી ધો.પાંચ, તેલંગણામાં ધો.૯થી ધો.૧૨, મેઘાલયમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં, જમ્મુ-કાશ્મીરમાં ધો.૧૦ અને ધો.૧૨, કર્ણાટકમાં ધો.૯, ધો. ૧૦ અને હાયર સેકન્ડરી, અને હિમાચલ પ્રદેશમાં ધો.૮ થી ધો.૧૨ના વર્ગો શરૂ થવાના નિર્ણય લેવાયા હતા.


